છાયાની સ્વામિનારાયણ MBA કોલેજમાં એનરોલમેન્ટ નહીં થતાં હોબાળો : વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવા સંચાલક મંડળ દ્વારા GTUને રજૂઆત
પોરબંદર, : પોરબંદરના છાયામાં આવેેલી સ્વામિનારાયણ એમબીએ કોલેજમાં 42 જેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નહીં થતાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરીને રોષપૂર્ણ રજૂઆત કરી હતી.
સ્વામિનારાયણ ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં એમબીએમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનારા 42 વિદ્યાર્થીઓની એનરોલમેન્ટ માટેની વહિવટી પ્રક્રિયા અહીં ફરજ બજાવતાં ડાયરેક્ટરની કોઈ કારણોસર ભૂલથી બાકી રહી ગઈ હતી. વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જઆ બાબતથી અજાણ હતા. તેમનું પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થતાં પરીક્ષા આવા પહોંચ્યા પરંતુ તેમના એનરોલમેન્ટ થયા નહીં હોવાથી તેઓ પરીક્ષા આપી શકશે નહીં તેવી માહિતી મળતા હોબાળો મચી ગયો હતો અને અનેક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. વાલીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરીને રોષપૂર્વક રજૂઆતો કરી હતી. બનાવની જાણ થતાં વિદ્યાર્થી નેતા સહિતના યુવાનોએ ડાયરેક્ટર સુમિત આચાર્યને રજૂઆત કરી હતી.ડાયરેક્ટરની ભૂલને લીધે વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મૂકાયા હોઈ તેમના હિતમાં નિર્ણય લેવા સંચાલક મંડળ દ્વારા જીટીયુને રજૂઆત થઈ છે અને કેબિનેટમંત્રીએ પણ દરમિયાનગીરી કરીને નિવેડો લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયું નહીં હોવાથી વિદ્યાર્થીઓએ વારંવાર ડાયરેક્ટરને જાણ કરી હતી. તેમના દ્વારા જીટીયુ લેવલે પ્રયત્નો ચાલુ હતા પરંતુ એસીડીસીની ડેડલાઈન પૂરી થઈ ત્યાં સુધી તેઓ ડોક્યુમેન્ટ સબમિટ કરી શક્યા નહીં અને મેનેજીંગ ટ્રસ્ટીને પણ જાણ સુદ્ધા ન કરી હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.


