- 7 થી વધુ હોટલ, ડુંગર તળેટી વિસ્તારની 400 થી વધુ દુકાનો, 3 માળનું બિલ્ડિંગનો સમાવેશ
- 169.23 કરોડની જમીન પર દબાણો હટાવાયા, માથાભારે શખ્સો અસામાજિક પ્રવૃતિઓ કરતા તંત્રએ કાર્યવાહી કરી, આગામી દિવસોમાં ઝુંબેશ યથાવત્ રખાશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં ગેરકાયદે દબાણો અને બાંધકામો પર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાાં આવી છે. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ તાલુકામાં ગેરકાયદે તાણી બંધાયેલી ૭થી વધુ હોટલ, ચોટીલાના ડુંગર તળેટી વિસ્તારની ૪૦૦થી વધુ દુકાનો અને નવગ્ર મંદિરના કંપાઉન્ડમાં આવેલા ૩ માળનું બિલ્ડિંગ તોડી પાડીને અંદાજે ૪૨ એકરથી વધુ ૧૬૯.૨૩ કરોડની સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી છે. આગામી સમયમાં હજૂ પણ ઝુંબેશ યથાવત્ રાખવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, રાજકોટ, નેશનલ હાઇવ સહિત મૂળી અને થાન તાલુકામાં ગેરકાયદેસર હોટલો સહિતના પાકના દબાણો સરકારી જમીનમાં ખડકી દેવામાં આવ્યા હતા અને હોટલો અને ઢાબાના આડમાં ગેરકાયદે પેટ્રોલ, ડીઝલ, બાયોડિઝર, કેમિકલની હેરાફેરી, વેચાણ સહિતની અસામાજિક પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ મોટાભાગે ગેરકાયદે દબાણો કરનાર સખ્સો માથાભારે શખ્સો હોવાથી વર્ષોથી દબાણો દૂર કરવામાં આવતી ન હતી. આ મામલે રજૂઆતો કરનારાઓને પણ માથાભારે શખ્સો દ્વારા ધમકી આપીને યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવતા હતા. જેને લઇ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિતની ટીમોએ સરકારી જમીનો પણ દબાણો હટાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે.
જેમાં છેલ્લા ૧૫ દિવસમાં ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પર કરેલા ગેરકાયદેસર ૭થી વધુ હોટલો તેમજ ડુંગર તળેટી વિસ્તારની ૪૦૦થી વધુ દુકાનો અને દબાણ સહિત નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલા ૦૩ માળનું બિલ્ડિંગનું દબાણ સહિત કુલ અંદાજે ૪૨ એકરથી વધુ રૂ.૧૬૯.૨૩ કરોડની સરકારી જમીન ખુલ્લી કરી હતી.
૧૫ દિવસમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કર્યાની વિગતો
(૧) તા.૨૮ ડિસેમ્બર ૨૦૨૫ : ચોટીલા નેશનલ હાઈવે પર ખેરડી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે બનાવેલી ૩ હોટલોમાંશિવલહેરી પરોઠા હાઉસ હોટલ, વિર વચ્છરાજ હોટલ અને પટના બિહાર બલવીર હોટલ સહિત આસપાસ બનાવેલી ૧૨ -દુકાનો, ૬-સ્ટાફ ક્વાર્ટર, ૧-બંગલો, તબેલો, ટોયલેટ સહિતના પાકા દબાણો.
(૨) તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૫ : ચોટીલા નેશનલ હાઈવે પર નાની મોલડી, મોટી મોલડી તેમજ ચાણપા ગામ પાસે આવેલી મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલની ૧૦ દુકાનો, ૦૫ સ્ટાફ ક્વાર્ટર, ૧ ગેરેજ સહિતનું ગેરકાયદેસર બાંધકામ.
(૩) તા.૦૪ જાન્યુઆરી ૨૦૨૬ : ચોટીલા નેશનલ હાઈવે પર મઘરીખડા ગામ પાસે અમરદીપ હોટલ સહિત પંચરની દુકાન, બાથરૂમ બ્લોક, પાણીની ટાંકી, અન્ય ઓરડી સહિતનું બાંધકામ.
(૪) તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ : ચોટીલા નેશનલ હાઈવેથી ડુંગર તળેટી સુધીની અંદાજે ૪૦૦ થી વધુ દુકાનો દ્વારા કરેલ પતરાના શેડ અને સ્ટોલ સહિત તળેટી વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડની ૦૩ માળનું બિલ્ડિંગ સહિતના દબાણો.
સરકારી જમીન પર હોટલો સહિતના ગેરકાયદે દબાણ કરનાર શખ્સો
(૧) મંગળુભાઇ જીલુભાઈ ખાચર (૨) મહેન્દ્રભાઇ જીલુભાઈ ખાચર અને (૩) સુરેશભાઇ જીલુભાઈ ખાચર, તમામ રહે.ખેરડી, તા.ચોટીલા (૪) જેન્તીભાઈ બાબુભાઈ બાવળિયા, રહે.રાજકોટ (૫) હામાભાઈ શાર્દુલભાઈ રબારી, રહે.ચાણપા, તા.ચોટીલા અને (૬) પ્રવીણભાઈ છનાભાઈ સભાયા, રહે.રાજકોટ (૭) છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર રહે.નાના કાંધાસર અને (૮) ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં આવેલા ૪૦૦ થી વધુ દુકાનદારો તેમજ ચોટીલા ડુંગરના મહંત પરિવાર


