Gujarat

પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવમાં ૪૧૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો

By GS TEAM
26 Jun 20251 min read
પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવમાં ૪૧૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો

 વડોદરા,આજથી ગુજરાતમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૪૯ શાળાઓમાં પ્રથમ દિવસે પ્રવેશોત્સવમાં ૪૧૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

શિક્ષણ સમિતિની કવિ પ્રેમાનંદ પ્રા. શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થિનીઓ માટે ''આત્મશક્તિ-સ્વરક્ષા, સ્વબળે'' નામના સ્વસુરક્ષા તાલીમ કાર્યક્રમનો આરંભ રાજ્યના અધિક મુખ્ય સચિવના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પાયલટ પ્રોજેકટ તરીકે પાંચ શાળાઓમાં અમલ કરવામાં આવશે. 

જેમાં વિદ્યાર્થિનીઓને જરૃરી સ્વસુરક્ષા કરતબ શીખવવામાં આવશે જેથી તેઓ આપતકાલીન પરિસ્થિતિમાં પોતાની જાતને સુરક્ષિત રાખી શકે. આ કાર્યક્રમ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી કન્યા પ્રાથમિક શાળા - બાબાજીપુરા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કન્યા પ્રાથમિક શાળા - સયાજીગંજ, કવિ પ્રેમાનંદ કન્યા પ્રાથમિક શાળા - વાડી, ડો. કલ્પના ચાવલા પ્રાથમિક શાળા- છાણી ગામ, અને વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળા, સયાજીગંજનો સમાવેશ થાય છે. પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે બાલવાડીમાં અંદાજીત ૧૨૪૫ બાળકો, બાલવાટિકામાં અંદાજીત ૨૦૨૧ બાળકો અને ધોરણ ૧ થી ૮માં અંદાજીત ૯૨૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.