Gujarat

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન

By GS TEAM
11 Mar 20261 min read
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી ,  અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન

 અમદાવાદ,બુધવાર,11 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિ.ની હદમાં આવેલા તળાવો પૈકી ૪૧ તળાવના ડેવલપમેન્ટની કામગીરી પુરી કરાઈ છે.વિવિધ વિસ્તારમા આવેલા તળાવ બારેમાસ પાણીથી ભરેલા રહે તે માટે તળાવોને ઈન્ટરલિંક કરવા ઉપરાંત એસ.ટી.પી.બનાવવા આયોજન કરાયુ છે. ગટરના પાણી ટ્રીટ કરી તળાવોમાં છોડવામા આવશે. આ ઉપરાંત ટ્રીટ થયેલા ગટરના પાણીને વધુ ગુણવત્તાયુકત બનાવવા પાંચ તળાવમા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પાયલોટ પ્રોજેકટ અમલમા મુકાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેકટ દ્વારા તળાવોમાં ભરાયેલા પાણીની ગુણવત્તા સુધારવા તથા લીલ કે જળકુંભી જેવી વનસ્પતિ થાય નહીં તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા પાયલોટ પ્રોજેકટને મંજૂરી આપવામા આવી છે.વિવિધ વિસ્તારમા આવેલા ૧૭ તળાવને ડેવલપ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી સમયમા ૧૯ તળાવનુ ડેવલપમેન્ટ કરવામા આવશે.તળાવ આસપાસના વિસ્તારમા ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે મિની એસ.ટી.પી.બનાવવા આયોજન કરાયુ છે.તળાવો ઈન્ટરલિંક થવાથી મિની એસ.ટી.પી.વાળા તળાવમાંથી વધારાનુ પાણી અન્ય તળાવમા પણ મોકલી શકાશે.શહેરના પાંચ તળાવ ખાતે ટ્રીટ થયેલા પાણીમા ડિઝોલ્વ્ડ ઓકિસજનના પ્રમાણમા વધારો થાય અને બાયોલોજીકલ ઓકિસજન ડિમાન્ડ અને કેમિકલ ઓકિસજન ડિમાન્ડનુ પ્રમાણ ઘટે એ માટે નેનો બબલ જનરેટર, સરફેસ એરેટર, ડીપ એરેટર  તથા અલ્ટ્રા સાઉન્ડ જનરેટર એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવશે.

કયા તળાવમા પાયલોટ પ્રોજેકટ થશે?

- સરખેજ મકરબા તળાવ, સરખેજ બેદાર તળાવ, રાણીપ ચેનપુર તળાવ, ચાંદખેડા તળાવ તથા નિકોલ-સુરભી તળાવ.