આણંદ, વડોદરાના 4,000 યુવાનો બચાવ કામગીરીમાં લાગ્યા
- ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડી વચ્ચે
- જિલ્લામાંથી 20 ફાયર જવાનો, 10 એમ્બ્યૂલન્સ, 5 થી વધુ મેડિકલ ટીમ રાહત કામમાં જોડાઈ
આણંદ : આંકલાવ નજીકના ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે આણંદ અને વડોદરાના ૪ હજાર યુવાનો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જિલ્લામાંથી ૧૦ એમ્બ્યૂલન્સ, પાંચથી વધુ મેડિકલ ટીમ પણ રાહત કામમાં જોડાઈ હતી.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો આંકલાવ નજીકનો ગંભીરા પુલ આજે વહેલી સવારે તૂટી પડતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટના બન્યા બાદ રાહત બચાવ કામગીરીમાં વડોદરા અને આણંદ જિલ્લાના ૪,૦૦૦થી વધુ યુવાનો જોડાયા હતા. વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે રાહત બચાવ માટે ૨૦થી વધુ ફાયરના જવાનો, એક એનડીઆરએફની ટીમ, એક એસડીઆરએફની ટીમ, ફાયરની બે બોટ, ત્રણ ફાયરટેન્ડર, દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડીકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે. ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે.
બ્રિજ તૂડી પડતા બંને તરફ ટ્રાફિકની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તંત્રની ટીમોએ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. દુર્ઘટનાને પગલે ભાદરણ તરફથી આવતો સમગ્ર ટ્રાફિક તાત્કાલિક બંધ કરી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. બફારાની સ્થિતિ હોવાથી તાબડતોબ સ્થાનિક યુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. નદીના કિનારે કીચડ હોવાના કારણે તુરંત ત્રણ બૂલડોઝર બોલાવી માર્ગ કરવામાં આવ્યો હતો, તેમજ આજુબાજુ ગામના યુવાનો દ્વારા સ્વયંભુ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇ ગયા હતા.