Gujarat

શહેરમાં વીજ માગ વધતા વીજ કંપનીએ 400 નવા ટ્રાન્સફોર્મર નાંખ્યા,1000ની ક્ષમતામાં વધારો

By GS TEAM
1 May 20262 mins read
શહેરમાં વીજ માગ વધતા વીજ કંપનીએ 400 નવા ટ્રાન્સફોર્મર નાંખ્યા,1000ની ક્ષમતામાં વધારો

વડોદરાઃ વડોદરા શહેરમાં વીજ ગ્રાહકોની સંખ્યા વધવાની સાથે વીજ માગમાં પણ વધારો થઈ રહ્યો છે.જેની અસર ઉનાળામાં જોવા મળતી હોય છે અને વીજ લોડમાં ભારે વધારો થતો હોય છે.

જેમ કે ૨૦૨૪-૨૫ના વર્ષમાં જ વીજ કંપનીમાં ૧૬૫૦૦  નવા ગ્રાહકોનો ઉમેરો થોય છે.એક અંદાજ પ્રમાણે છેલ્લા ત્રણેક વર્ષથી વીજ માગમાં દર વર્ષે લગભગ ૧૦ ટકાનો વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં  ૬૩ કેવી, ૧૦૦ કેવી, ૨૦૦ કેવી અને ૫૦૦ કેવી એમ અલગ- અલગ ક્ષમતાના ૪૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.તેની સાથે સાથે પહેલેથી લાગેલા ૧૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.જેથી વધતી જતી વીજ માગને પહોંચી વળાય.અત્યારે શહેરના અન્ય વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારમાં વીજ માગ વધારે છે.

વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, વર્ષોથી વીજ જોડાણ લેનારા ઘણા ખરા ગ્રાહકો પોતાનો સાચો વીજ લોડ જણાવતા નથી.જેના કારણે ઉનાળામાં જ્યારે વીજ માગ વધી જતી હોય છે ત્યારે ટ્રાન્સફોર્મર પર ભારણ આવતું હોય છે.જો ગ્રાહકો  સાચો વીજ લોડ જાહેર કરે તો કયું ટ્રાન્સફોર્મર બદલવું પડે તેમ છે કે કયા ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવી પડે તેમ છે તેની જાણકારી મેળવવામાં આસાની રહે છે.

વીજ માગ ૨૮૪૦  મેગાવોટ સુધી પહોંચી 

હીટવેવના કારણે મધ્ય ગુજરાતમાં વીજ માગનો નવો રેકોર્ડ સર્જાયો

શહેરમાં પવનોના કારણે બે દિવસથી લોકોને ગરમીથી થોડી ઘણી રાહત મળી છે.જોકે એ પહેલા એક સપ્તાહ સુધી ચાલેલા હીટવેવના કારણે મધ્ય ગુજરાતની વીજ માગના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા.મળતી વિગતો પ્રમાણે તા.૨૮ એપ્રિલના રોજ મધ્ય ગુજરાત વીજ કંપનીની વીજ ડિમાન્ડ ૨૮૪૦ મેગાવોટ પર પહોંચી હતી.આ પૈકી ૧૦ ટકા વીજ માગ તો એકલી વડોદરા શહેરની હતી.

આકરી ગરમીના કારણે લોકો પંખા, એસી, કૂલરનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.જેના કારણે ઘરેલુ વીજ માગમાં વધારો થયો છે.આ પહેલા તા.૧૯ એપ્રિલના રોજ મધ્ય ગુજરાતની વીજ માગ ૨૫૫૫ મેગાવોટ રહી હતી.જોકે એ પછી ગરમીનો  પારો ઉપર જવાનો શરુ થયો હતો અને દસ જ દિવસમાં વીજ માગમાં ૩૦૦ મેગાવોટનો વધારો નોંધાયો હતો.