વીજ કંપનીમાં જૂનિયર આસિ.ની 400 જગ્યાઓ ખાલી, મીટર રીડિંગમાં વિલંબ
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં મીટર રીડરોની ૪૦૦ જેટલી જગ્યાઓ ખાલી હોવાના કારણે સંખ્યાબંધ સબ ડિવિઝનોમાં મીટર રીડિંગની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તેવું વીજ કંપનીના સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું કહેવું છે.
આ સંગઠનના કહેવા અનુસાર મીટર રીડિંગ કરવાની કામગીરી જૂનિયર આસિસ્ટન્ટ કરતા હોય છે.મધ્ય ગુજરાત વીજ કંપનીમાં જૂનિયર આસિસ્ટન્ટની ૧૮૦૦ જેટલી જગ્યાઓ છે અને તેમાંથી ૪૦૦ જગ્યાઓ ખાલી છે.જે મોટાભાગે મીટર રીડરોની છે.મીટર રીડિંગની કામગીરી સત્તાધીશોએ આઉટસોર્સિંગથી કરાવવાનો પણ પ્રયાસ કર્યો છે.આમ છતા તેમાં વધારે સફળતા મળી નથી.મીટર રીડિંગ માટે દરેક સબ ડિવિઝનમાં લગભગ ૬ જેટલા કર્મચારીઓ હોય છે.સંખ્યાબંધ સબ ડિવિઝનમાં મીટર રીડરોની ઘટ છે અને બીજી તરફ ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે.તેના કારણે ગોધરા તેમજ વડોદરા ગ્રામ્યમાં મીટર રીડિંગની કામગીરીમાં વિલંબ થવાની ફરિયાદો ઉઠી છે.સાથે સાથે ટેકનિકલ સ્ટાફને આઠ કલાકની જગ્યાએ બાર કલાક ફરજ સોંપવાની ફરિયાદો ઉઠી છે.તાજેતરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ સર્કલ ચેન્જની અરજીઓને ગણતરીમાં લીધા વગર જ ૧૦૩ ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની બદલીના ઓર્ડર કર્યા છે.જે રદ કરવામાં આવે નહીંતર સંગઠન ધરણા કરીને વિરોધ કરશે.
નિવૃત્ત વીજ કર્મચારીઓને સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં સમાવવામાં આવે
ગુજરાત સરકાર દ્વારા હાલમાં કાર્યરત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમા મૂકવામાં આવી છે પણ તેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સહિતની સરકારી વીજ કંપીઓના નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ કરવાયો નથી.જેને લઈને વિદ્યુત કર્મચારી નિવૃત્તી તબીબી સહાય યોજના સંયુક્ત સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને વીજ કંપનીના નિવૃત્ત કર્મચારીઓનો પણ આ યોજનામાં સમાવેશ કરીને તેમને કેસલેશ મેડિકલ સારવારનો લાભ પૂરો પાડવા માટે માગ કરાઈ છે.