વડોદરાઃ વડોદરા શહેર-જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નિમિત્તે પોલીસે ઠેરઠેર ચેકિંગ કરી દારૃને લગતા કુલ ૧૩૪૪ જેટલા કેસો કર્યા હતા.દારૃના નશામાં વાહન ચલાવવા બદલ ૪૦૦ જેટલા કેસોનો સમાવેશ થાય છે.
થર્ટી ફર્સ્ટ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાની પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને એક સપ્તાહથી નાકાબંધી કરી દારૃના કેસો કરવા માંડયા હતા.નોંધપાત્ર બાબત એ છે કે,વર્ષ દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં ૧૦ કરોડથી વધુની કિંમતના દારૃનો નાશ કરવામાં આવ્યો હોવા છતાં બૂટલેગરોએ દારૃનો સંગ્રહ કરી રાખ્યો હોવાથી નશેબાજોને દારૃ મળી રહ્યો હતો.
વડોદરા જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટ નિમિત્તે તમામ આઠ તાલુકાઓમાં તેમજ હાઇવે પર નાકાબંધી કરી ચેકિંગ કરીને દારૃને લગતા કુલ ૧૨૪૪ કેસ કર્યા હતા. જેમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૩૨૨ અને દારૃ પીધેલાના ૯૨૨ કેસનો સમાવેશ થાય છે.
જ્યારે,વડોદરા શહેર પોલીસે ૧૧ જેટલા એન્ટ્રી પોઇન્ટ અને ૫૫ થી વધુ સ્થળોએ વાહન ચેકિંગ કરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૭૮ કેસ કર્યા હતા.તો વાહન વગર દારૃના નશો કરી બહાર નીકળેલા બીજા ૩૨ જણાની પણ ધરપકડ કરી હતી.આ ઉપરાંત શહેર પોલીસે અકસ્માતના બનાવો રોકવા માટે નંબર પ્લેટ વગરના વાહનો અને ટ્રાફિક નિયમનના ભંગના પણ કેસો કર્યા હતા.
દારૃના શોખીનો પાર્ટી કરી ઘર અને ફાર્મ હાઉસોમાં રોકાઇ રહ્યા
દારૃની ટેવવાળા લોકોએ પોલીસથી બચવા માટે અગાઉથી આયોજન કરી રાખ્યું હતું.મોટાભાગના શોખીનોએ દારૃની પાર્ટી કર્યા બાદ ઘર કે ફાર્મ હાઉસોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.જેથી તેઓ બહાર નહિ નીકળતા પોલીસની નજરથી બચી ગયા હતા.પકડાયેલા મોટાભાગના લોકો ને ન્યુ યરની ઉજવણીની આડમાં દારૃની ચુસ્કી લેવાનું ભારે પડયું હતું.


