- કાંસમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ
- માલવણ, રૂસ્તમપુરા અને લાલાના મુવાડા ગામમાં દોઢ મહિને પાણીનો નિકાલ થશે : રવી સિઝન નિષ્ફળ જવાની સંભાવનાથી ખેડૂતોની હાલત કફોડી
ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલા માલવણ, રૂસ્તમપુરા, લાલાના મુવાડા ત્રણ ગામમાં ખેડૂતોની આશરે ૪૦૦ વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં પાણી ભરાતા તમાકુના ધરૂ, ખાતર પાણી કમોસમી વરસાદમાં ધોવાઈ ગયા છે. જમીનમાં પાણી ભરાઈ ગયા બાદ પાણીનો નિકાલ થતાં આશરે એકથી દોઢ માસ જેટલો સમય લાગે છે. કાંસમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
પાણીના નિકાલ થયા બાદ જ ખેડૂતો અન્ય પાક લઈ શકે છે. માલવણ, રૂસ્તમપુરા, લાલાના મુવાડા તેમજ આસપાસના જમીનમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
તમાકુના ધરૂ આશરે રૂા. ૭૦૦ના ૧,૦૦૦ ધરૂ મુશ્કેલીથી મળ્યા બાદ ખેડૂતોએ રોપણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે તમામ મહેનત નિષ્ફળ ગઈ છે. ત્યારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો તમાકુના ધરૂ, ખાતર, પાણી સાથે ફરી મહેનત કરી મોલાત ઉગાડવા મજબૂર બન્યા છે. ત્યારે પાક નુકસાનીનું વળતર ચૂકવવા ત્રણેય ગામના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે.


