ઈમિગ્રેશન સમસ્યાને કારણે સલાયાના 40 વહાણ વિદેશ જતા અટક્યાં, 1000 કરોડનો વેપાર સ્થગિત
Rajkot News : ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોનો સમાવેશ થાય છે. એમાં એકલા સલાયાના 150 વહાણો કાર્યરત છે. તાજેતરમાં દરિયામાં જવાની છુટ મળતા જ સલાયાના વહાણો ક્રમે ક્રમે સૌરાષ્ટ્રના જુદાં જુદાં બંદરોએથી માલ ભરીને વિદેશમાં જવા લાગ્યા છે પરંતુ તાજેતરમાં સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા અચાનક કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવતા સલાયાના 40 વહાણો પોરબંદર, મુંદ્રા જતા અટકી જતાં આશરે એક હજાર કરોડનો વિદેશ વેપાર સ્થગિત થઈ ગયો છે.
ઈન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના પ્રમુખ આદમભાઈ ભાયાના જણાવ્યા મુજબ, વિદેશમાં જતાં હોય એ વહાણોને સલાયા બંદર છોડીને જો ભારતના કોઈ બંદરે જવું હોય કે વિદેશના બંદરે જવું હોય તો ઈમિગ્રેશન પ્રોસેસ કરવી પડે છે. આ માટે સૌરાષ્ટ્રન જુદા જુદા બંદરોની જેમ સલાયામાં પણ 2015ની સાલથી ઈમિગ્રેશન પ્રોસેસ ચાલતી હતી. આ માટે ઓખા અને સલાયામાં સી ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. તાજેતરમા દરિયાઈ વેકેશન પુરૂ થતાં તા. 1 સપ્ટેમ્બરે 4થી 5 વહાણો માલ ભરીને વિદેશ રવાના થયા હતા. એ પછી સલાયામાં ઈમિગ્રેશન પ્રોસેસ પાવર ખેંચાઈ જતાં સિકકામાંથી કામગીરી કરાતી હતી અને એ પછી ત્યાંથી રાજકોટ આઈ.બી. વિભાગને આ પાવર સોંપાયો હતો. જે તા. 8 સુધી ચાલ્યું હતું, એ પછી તા. 9થી બંધ કરી દેતા સલાયાના 40 વહાણોને સલાયા છોડીને પોરબંદર બેડી વગેરે બંદરોએથી હજારો ટન ચોખા, ખાંડ અને મગફળી તેમજ એસેન્સિયલ કોમોડીટી ભરીને ગલ્ફ દેશો તેમજ આફ્રિકન દેશોમાં જવાનું હતુ પણ ઈમિગ્રેશન પ્રોસેસ ન થતાં આ બધા વહાણો સલાયાથી કયાંય આગળ જઈ શકતા નથી અને આ પ્રક્રિયા પુરી જઈ જાય એની રાહમાં સમય વિતાવી રહ્યા છે. સામાન્ય નિયમ એવો છે કે ઈમિગ્રેશન કે અન્ય પ્રક્રિયામાં મૂળ બંદરે કામગીરી કોઈ કારણસર ન થાય તો આજુબાજુના બંદરોએ કરવાની રહે પણ એ બધાએ 'આ અમારામાં ન આવે, અમને કોઈ પાવર એલોટ થયા નથી' વિગેરે બહાના બતાવી કામગીરી કરી દેતા નથી.
લાકડાંનાં વહાણો મારફત 5 લાખ ટન માલનું વિદેશમાં પરિવહન
સી ઈકોનોમી ડેવલપ કરવામાં દેશ પ્રયત્નો કરે છે પણ નવાઈની વાત એ છે કે દેશ પાસે કારગોના 1546 જ વહાણો છે. એમાંથી 465 જ ફોરેન ટ્રીપ કરે છે. આમ દેશમાંથી કારગો માટેના પરિવહનના વહાણોની અછત છે, જ્યારે એકલા પનામા દેશ પાસે 8500 શીપ છે. એ દુનિયાભરમાં માલ પરિવહન ઉદ્યોગમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના લાકડાના વહાણો જુદા જુદા બંદરોએથી 5 લાખ ટન માલનું વિદેશમાં પરિવહન કરે છે. જેની રેવન્યુ 10,000 કરોડની થવા જાય છે. જેમાં સલાયાના વહાણોનો મોટો હિસ્સો છે. દેશમાં મોટા ભાગે વિદેશોના જ કન્ટેનરો અને શીપ આવે છે અને ભારતમાંથી માલ લઈ જાય છે. આવા સંજોગોમાં દેશના વહાણોને પ્રોત્સાહન આપવામાં કોઈ અવરોધ આવતો હોય તો અટકાવવો જોઈએ.