પીએમ રૂમ પાસે પરિવારજનોનાં હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા ૩ યુવાનો પૈકી બેનાં મોત, અન્ય બાઈક પર સવાર બે યુવાનોએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
પોરબંદર, : પોરબંદરના એરપોર્ટ નજીક આજે વહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પોરબંદરના ત્રણ યુવાનોના કરૂણ મોત થયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ચોથા યુવાનને જામનગર લઈ જવાતા તેનું પણ મોત થતા પરવાર ઉપર વજ્રઘાત થયો હતો.
પોરબંદરના નવા એરપોર્ટની દીવાલ પૂર્ણ થાય છે, ત્યાં ગાયત્રી હાઈટસ એપાર્ટમેન્ટ સામે સવારે પાંચ વાગ્યે બનેલા ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે સ્પ્લેન્ડર મોટરસાયકલ અને રોયલ એન્ફીલ્ડ બુલેટ વચ્ચે જોરદાર ટકકર થઈ હતી અને અકસ્માતના આ બનાવમાં એકમાં ત્રીપલ સવારીમાં અને બીજામાં ડબલ સવારીમાં બેસેલા યુવાન ફંગોળાઈ ગયા હતા. જેમાં સોની બજારમાં રહેતા બુલેટ સવાર 26 વર્ષના મિલન નારણભાઈ બાદરશાહી, જયારે બાઈક પર સવારે બોખીરાની આવાસ યોજનામાં રહેતા 18 વર્ષના દીપેશ નીતિનભાઈ ઢાકેચા તથા નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા 17 વર્ષના વનરાજ મનીષભાઈ ઝાલાને ગંભીર ઈજા થવાથી ત્રણે-ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા બુલેટસવાર ખારવાવાડના પંચહાટડીમાં રહેતા પીયુષ કિશોર લોઢારી (ઉ.વ. 28) તથા બાઈકસવાર વીરડી પ્લોટના પ્રતીક નિલેષભાઈ જેઠવા (ઉ.વ. 18)ને ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીયુષ લોઢારીને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં જામનગર લઈ જવામાં આવ્યો હતો, જયાં તેનું પણ મોત થયુ હતુ.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પીએમ રૂમ પાસે મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાઈક પર ત્રિપલ સવારીમાં આવતા યુવાનો રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી વહેલી સવારે પોરબંદર આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


