Get The App

આણંદ જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં 4 યુવાનોનાં મોત

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં 4 યુવાનોનાં મોત 1 - image

- આણંદ ગ્રામ્ય, ભાલેજ અને પેટલાદ પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી 

- પણસોરા નજીક ટ્રકની પાછળ એક્ટિવા ઘૂસી જતા યુવાને જીવ ગુમાવ્યો શેખડી ગામ પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું

- જીટોડિયા રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત, એક રાહદારીને ઈજા, ચાલક અને કારમાં સવાર લોકો નાસી છૂટયા 

આણંદ: આણંદ જિલ્લામાં બુધવારનો દિવસ ગોઝારો રહ્યો હતો. જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. બુધવારની મધ્યરાત્રીના આણંદ પાસેના જીટોડીયા રોડ ઉપર એક કારેે બાઈકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પણસોરા નજીક ટ્રકની પાછળ એક્ટિવા ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શેખડી ગામ નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું હતું. 

આણંદ બોરસદ માર્ગ ઉપર આવેલ જીટોડીયા ગામની હરિકૃષ્ણ ટાઉનશિપ નજીક ગઈકાલ મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક એક્સયુવી કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ઢૂંઢા કુવા ગામે રહેતા ૩૭ વર્ષીય પ્રવીણભાઈ કાંતિભાઈ પરમાર બુધવારે રાત્રિના સુમારે સુરકુવા ગામના ૩૭ વર્ષીય ધર્મેશભાઈ ગીરીશભાઈ પટેલને પોતાની બાઈક ઉપર બેસાડીને આણંદથી પરત ઢૂંઢા કુવા તરફ જઈ રહ્યાં હતા. ત્યારે જીટોડીયા ગામ નજીક આવેલી હરિકૃષ્ણ ટાઉનશિપ પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલી એક્સયુવી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બંને યુવકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા અને બાઈક રોડની સાઈડમાં આવેલી ગટરમાં પડયું હતું. બાઈકને અડફેટે લીધા બાદ મેહુલ પરમાર નામના રાહદારીને પણ કાર ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ૧૦૦ મીટર દૂર આવેલી એક દિવાલ સાથે અથડાઈને ગટરમાં ઉતરી ગઈ હતી. સદ્નસીબે કારની એરબેગ્સ ખુલી જતા કારચાલકનો બચાવ થયો હતો અને ચાલક સહિતના અન્ય લોકો ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલ પ્રવીણ તથા ધર્મેશ પટેલને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અકસ્માતના બીજા બનાવમાં ઉમરેઠ-નડિયાદ રોડ ઉપર આવેલા પણસોરા ગામના પેટ્રોલ પંપ નજીક બુધવારે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક યુટર્ર્ન લેતા પાછળ આવી રહેલી એક્ટિવા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ૧૬ વર્ષીય દેવકુમાર દિનેશભાઈ મકવાણા અને કુંજ જીગ્નેશભાઈ પટેલ બુધવારે ડાકોર-નડિયાદ રોડ ઉપર આવેલા પણસોરા નજીકથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આગળ જઈ રહેલી ટ્રકે અચાનક યુટર્ન લેતા એક્ટિવા ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગયું હતું. જેમાં દેવ તથા કુંજને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘવાયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દેવ મકવાણાનું મોત થયું હતું. આ બનાવ અંગે ભાલેજ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. અકસ્માતના ત્રીજા બનાવની વિગતમાં પેટલાદ ખાતે રહેતા દેવાભાઈ મણીભાઈ મારવાડીના સગા સાગર રમેશભાઈ સલાટ બે-ત્રણ દિવસ પૂર્વે તેમના ઘરે આવ્યા હતા અને બુધવારે દેવાભાઈ, સાગર અને સન્ની જેસિંગભાઈ મારવાડી બે અલગ અલગ એક્ટિવા ઉપર સવાર થઈને ખંભાત રોડ ઉપર આવેલા જોગણ ગામની નહેર ઉપર નહાવા માટે ગયા હતા. 

જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે એક એક્ટિવા ઉપર સાગર અને સન્ની સવાર થઈને નીકળ્યા હતા અને શેખડી તરફ જવાના રોડ ઉપરથી તેઓ પસાર થતા હતા. ત્યારે પેટલાદ તરફથી પૂરપાટ ઝડપે આવી જડેલી એક કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા. 

જેમાં સાગર અને સન્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવાતા સાગરનું મોત થયું હતું. આ બનાવ અંગે પેટલાદ પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.