Gujarat

4 ઈસમે યુવાનની બાઈક પર કાર ચડાવી દેવાનો બનાવ હત્યામાં પરિણમ્યો

By GS TEAM
25 Sep 20252 mins read
4 ઈસમે યુવાનની બાઈક પર કાર ચડાવી દેવાનો બનાવ હત્યામાં પરિણમ્યો

- નારી ચોકડી દસ નાળા પાસે સમાધાન માટે બોલાવ્યા હતા

- એક વર્ષ પહેલા થયેલી બોલા ચાલીની દાજ રાખી મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો

ભાવનગર : એક વર્ષ પહેલા થયેલી બોલાચાલીની દાજ રાખી ચાર ઈસમે નારી ચોકડી દસ નાળા પાસે યુવાન અને તેના મિત્રોને બોલાવી બાઈક લઈને આવેલા મિત્રો સાથે મારી નાખવાના ઇરાદે કાર અથડાવી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં યુવાનનું મોત થતા બનાવવા હત્યામાં પરિણમ્યો છે.

શહેરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા અશોકભાઈ ભુપતભાઈ મકવાણાના કુટુંબી મામાના દીકરા હાદક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયાને એક વર્ષ પહેલા દિનેશ રમણભાઈ ગોહેલ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી દિનેશ રમણભાઈ ગોહેલ, યોગેશ પોપટભાઈ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજયએ અગાઉથી પ્લાન બનાવી અશોકભાઈ અને હાદક ઉર્ફે ટિન્ચો તથા મિત્ર અબોટી સહિતના મિત્રોને દસનાળા સમાધાન માટે બોલાવ્યા હતા. મિત્રો નાળા પાસે બાઈક લઈને પહોંચ્યા ત્યારે ચારેય ઈસમે ઉભા રહો, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી, આપી ગાળો આપતા સમાધાન માટે ગયેલા મિત્રો ડરી ગયા હતા. તમામ મિત્રો મોટર સાયકલમાં નારી ચોકડી તરફ ભાગવા જતા દિનેશે તેની કાર નંબર જીજે-૦૪-ઇએ-૨૧૪૨ બાઈકની પાછળ ચલાવી હાર્દીકને મારી નાખવાના ઈરાદે તેની મોટરસાયકલ સાથે પાછળથી જોરદાર ટક્કર મારી હાર્દિકને પછાડી દેતા માથામાં ગંભીર જીવલેણ ઇજા પહોંચી હતી. હાદકની પાછળ બેઠેલ અજય જાદવને જમણા હાથે ઈજા કરી હતી. વિશાલ મકાવાણા, વિશાલ ભલીયા, દેવેન્દ્રસિંહ રાઠોડ, અબોટી તથા શક્તિના મોટર સાયકલો સાથે પાછળથી ટક્કર મારી તમામને સમાન્ય ઈજાઓ પહોંચાડી હતી અને તમામને મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ગંભીર ઈજા પામેલ હાદક અશોકભાઈ કુકડીયા (ઉ.વ.૧૯) ને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ બનાવ અંગે વરતેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.