કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે ૪ વર્ષની માસૂમ બાળાનું કચડાઇ જતા મોત
જંબુસરનો પરિવાર વેકેશન હોઇ બાળકો સાથે કમાટીબાગમાં ફરવા આવ્યો હતો : બનાવ બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો
વડોદરા,જંબુસરનો પરિવાર વડોદરાના કમાટીબાગ ખાતે વેકેશનમાં ફરવા આવ્યો હતો. સાંજે તેઓ ઘરે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન પાટા પર દોડતી જોય ટ્રેનની નીચે ૪ વર્ષની બાળકી કચડાઇ જતા તેના શરીરના ફૂરચા નીકળી ગયા હતા અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવ પછી ટ્રેનનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
કમાટીબાગમાં દોડતી જોય ટ્રેને આજે ૪ વર્ષની બાળકીનો જીવ લીધોહતો. મળતી માહિતી મુજબ, જંબુસરના સોગંદવાડીમાં રહેતા પઠાણ પરિવારના ૭ સભ્યો વેકેશન હોઇ ફરવા માટે આજે સવારે જંબુસરથી કમાટીબાગ આવ્યા હતા. બપોરે ૧ વાગ્યે પરિવારજનો કમાટીબાગ પહોંચ્યા પછી નાના બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી. આખો દિવસ ફર્યા પછી તેઓ સાંજ ે પાંચ વાગ્યે પરત જંબુસર જવા માટે નીકળ્યા હતા. કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે પરિવારની ૪ વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતા ચગદાઇ ગઇ હતી. ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. પરિવારની નજર સામે જ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. માસૂમ બાળકીના શરીરના અંગોના ફૂરચા થઇ ગયા હતા.
શરૃઆતમાં પરિવારને ખ્યાલ જ ના આવ્યો કે, આ શું થયું ? લોકો પણ અકસ્માતના પગલે દોડી આવ્યા હતા. બાળકીને જમીન પર પડેલી જોઇને પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. બાળકીને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સયાજીગંજ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત બાળકીના અંગો ટ્રેકની નજીક લાંબો સમય પડી રહેતા અરેરાટી
વડોદરા,અકસ્માતના સ્થળ પરથી બાળકીને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બનાવના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ પહોંચી ગયો હતો. અકસ્માતના એક કલાક પછી પણ મૃત બાળકીના શરીરના ચગદાઇ ગયેલા અંગો ટ્રેકની નજીક પડેલા હતા. તે હટાવવાની દરકાર કોઇએ લીધી નહતી. જેના પગલે કમાટીબાગમાં ફરવા આવેલા સહેલાણીઓમાં અરેરાટી ફેલાઇ હતી.
કમાટીબાગની જોય ટ્રેન કાયમ વિવાદમાં રહી છે
અગાઉ ડબા ઉથલી પડયા હતા, એક મહિલાનો હાથ કાપવો પડયો હતો અને હવે બાળાનું મોત
વડોદરા,કમાટીબાગ જોય ટ્રેન અવાર - નવાર વિવાદમાં આવે છે. અકસ્માતની આ ત્રીજી ઘટના છે. છેલ્લા ૭ વર્ષમાં જોય ટ્રેન ચાર વખત દોડતી બંધ કરવામાં આવી છે. બે અકસ્માત, કોરોના અને હરણી બોટકાંડ પછી ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી.
૨૦ જૂન ૨૦૧૮ ના રોજ કમાટીબાગમાં દોડતી જોય ટ્રેનના ડબા ખડી પડતા અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજાઓ થઇ નહતી. ત્યારબાદ ટ્રેન બંધ કરી દેવાઇ હતી.
૩ જી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ વાડી મોટી વોરવાડમાં રહેતા ૪૨ વર્ષના સુમૈયાબેન મહંમદઇમ્તિયાઝ ખજૂરીવાલા રવિવારેે સાંજે પરિવાર સાથે કમાટીબાગ ગયા હતા.ટ્રેનના સેફ્ટિ ગાર્ડ સાથે તેઓ અથડાયા બાદ હાથ ટ્રેનના પાટા પર પડતા હાથ કાપવો પડયો હતો. ત્યારબાદ પણ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી.
આજે એક માસૂમ બાળા જોય ટ્રેન નીચે કચડાઇ જતા તેનું મોત થયું હતું. દરેક અકસ્માત પછી સરકારના અલગ - અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે.પરંતુ, ક્યાંક સલામતીને અવગણવામાં આવતી હોઇ અકસ્માતો બંધ થતા નથી.
અકસ્માત પછી પણ ગાર્ડનમાં જોર જોરથી મ્યૂઝિક વાગતું રહ્યું
વડોદરા,અકસ્માતના સ્થળે હાજર એક વ્યક્તિનું કહેવું છે કે, ઘટના પછી પણ કમાટીબાગમાં મ્યૂઝિક જોર જોરથી વાગતું રહ્યું હતું. સ્ટાફના કોઇ લોકો તરત આવ્યા નહતા. છેવટે મેં જઇને સ્વીચ બંધ કરી હતી. આ ઘટના પાછળ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. જોય ટ્રેનને થતા અકસ્માતો રોકવા માટે તંત્ર દ્વારા કોઇ અસરકારક કામગીરી થતી નથી.
અકસ્માત કઇ રીતે થયો, તેની પોલીસ તપાસ શરૃ
સીસીટીવી ફૂટેજ, નજરે જોનાર સાક્ષી અને ફરાર ડ્રાઇવરને પકડી પૂછપરછ કરાશે
વડોદરા,અકસ્માતની ઘટના અંગે અલગ - અલગ વાત થઇ રહી છે. એક ચર્ચા એવી ચાલી રહી છે કે, બાળકી દોડતી દોડતી ટ્રેક પર પહોંચી જતા અકસ્માત થયો. બીજી વાત એવી થઇ રહી છે કે, બાળકી ચાલુ ટ્રેનમાં બેસવા જતા કચડાઇ ગઇ અને ત્રીજી વાત એવી છે કે, એન્જિનની ટક્કર વાગી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. પી.આઇ.એ જણાવ્યું છે કે, હાલમાં પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારબાદ અમે ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો લઇશું, અકસ્માત સ્થળે ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની ચકાસણી કરીશું અને ફરાર થઇ ગયેલા ટ્રેનના ડ્રાઇવરને પકડી પૂછપરછ કરીશું. ત્યારબાદ જ સમગ્ર ઘટના કઇરીતે બની તે જાણી શકાશે.
૭ થી ૮ કિલોમીટરની સ્પીડે દોડતી
જોય ટ્રેનના ચાર કોચમાં માત્ર બે સિક્યુરિટી ગાર્ડ
એન્જિનમાં ડ્રાઇવર સાથે એક ગાર્ડ અને બીજો ગાર્ડ છેલ્લા કોચમાં
વડોદરા,જોય ટ્રેનને કમાટીબાગમાં એક ચક્કર કાપતા ૧૫ થી ૨૦ મિનિટનો સમય લાગતો હોય છે. સામાન્ય દિવસોમાં એક દિવસમાં ટ્રેન ૭ ચક્કર કાપતી હોય છે. જ્યારે જાહેર રજા અને રવિવારના દિવસે ૧૦ ચક્કર થતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેનની ઝડપ એકદમ ઓછી હોય છે. આ અંગે કોર્પોેરેશનના સ્ટાફે જણાવ્યું હતું કે, ગત નવેમ્બર મહિનામાં જ જોય ટ્રેન ફરીથી દોડતી થઇ હતી. એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. જેઓ આગળના ટ્રેક પર નજર રાખતા હોય છે. ટ્રેનના ચાર કોચ છે. કોઇ કોચ પર એટન્ડન્ટ કે સિક્યુરિટી ગાર્ડ હોતા નથી. માત્ર છેલ્લા કોચ પર એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. ટ્રેનના ઝડપ પ્રતિ કલાક ૭ થી ૮ કિલોમીટરની જ હોય છે. જો બાળા ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી ? તે પણ તપાસનો વિષય છે.