Gujarat

જામનગરમાં બ્રાસપાર્ટ ભઠ્ઠીમાં ધડાકો થઈ પિત્તળનો રસ ઉછળતાં 4 શ્રમિકો દાઝી ગયા

By GS TEAM
16 Jun 20251 min read
જામનગરમાં બ્રાસપાર્ટ ભઠ્ઠીમાં ધડાકો થઈ પિત્તળનો રસ ઉછળતાં 4 શ્રમિકો દાઝી ગયા

દરેડ GIDC વિસ્તારમાં ફાઉન્ડ્રી એકમમાં નાસભાગ મચી ચારે'ય શ્રમિકોને તાત્કાલિક સારવારમાં ખસેડયા

જામનગર, : જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6.45 વાગ્યાના અરસામાં એક બ્રાસપાર્ટની ભઠ્ઠીમાં પિત્તળનો ભંગાર ઓગાળવામાં આવતો હતો. જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને પિત્તળનો પ્રવાહી રસ ઉડવાના કારણે ચારેય ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા. જેથી બ્રાસપાર્ટના એકમમાં ભારે નાસભાગ થઈ હતી.

આ બનાવ અંગે જાણ કરાતાં 108ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઉપરાંત પંચકોષી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બ્રાસપાર્ટની ભઠ્ઠીમાં કામ કરી રહેલા ચાર શ્રમિકો સોમપાલ પાસવાન, વિજયકુમાર, અનિલભાઈ તથા સંજય પાસવાન નામના 4 પરપ્રાંતીય શ્રમિકો ગંભીર સ્વરૂપે દાઝયા હતા. આ ચારેયને એમ્બયુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક શ્રમિક ગંભીર રીતે દાજી ગયો છે. હાલ ચારેયની સઘન સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડ ગઈ છે, અને આ બનાવ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.