કણજરીની કંપનીમાંથી ચોરેલા મરીના જથ્થા સાથે 4 શ્રમિકની ધરપકડ

- 1.12 લાખના કાળા મરીનો જથ્થો કબજે
- નોકરીના સમય પહેલા કંપનીમાં આવી થોડો થોડો કાળા મરીનો જથ્થો લઇ જતા હોવાનું ખૂલ્યું
નડિયાદ તાલુકાના કણજરીમાં બસ સ્ટેન્ડ નજીક બરકતભાઈ નુરુરદીનભાઈ વેલાણીની વેફર, નમકીન, ફ્રાયમ્સ જેવી પ્રોડક્ટ બનાવતી સ્નેક્સ બનાવતી કંપની આવેલી છે.આ કંપનીમાંથી
તા.૨૩/૭/૨૫ ના રોજ સવારના સમયે કંપનીમાં મજૂરી કામ કરતા દિનેશ લાલજી ભોજાણી અને કલ્પેશ મહેશભલ ભોજાણી બંને (રહે. અલીન્દ્રા તા નડિયાદ), પીન્ટુ મનુ રાઠોડ (રહે. બોરીયાવી) તેમજ વિશાલ બુધા પરમાર (રહે. વડતાલ) ભેગા મળી રૂ.૧,૫૦,૦૦૦ ના કાળા મરીની ૫૦ કિલોની ૪ બેગો ચોરી કરી હતી.આ સમગ્ર ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે કંપનીના મેનેજરે વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વડતાલ પોલીસે ચારેય મજૂર વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી પોલીસ ટીમે હ્યુમન સોર્સીસના આધારે ચોરીમાં સંડોવાયેલા કંપનીમાં કામ કરતા દિનેશ લાલજી ભોજાણી અને કલ્પેશ મહેશભલ ભોજાણી (બંને રહે અલીન્દ્રા તા નડિયાદ) પીન્ટુ મનુ રાઠોડ (રહે બોરીયાવી) તેમજ વિશાલ બુધા પરમારને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી કંપનીમાંથી ચોરી કરેલા કાળા મરી પૈકી રૂ.૧,૧૨,૫૦૦ ની કિંમતનો કાળા મરીનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કંપનીમાં મજૂરી કરતા શ્રમિકો નોકરીના સમય પહેલા કંપનીમાં આવી કંપનીમાં મૂકેલા કાળા મરીની બેગોમાંથી થોડો થોડો મરીનો જથ્થો કાઢી ચોરી કરી પોતાની લાવેલ બેગોમાં ભરી લઈ જતી હોવાનું બહાર આવ્યું હતું.









