સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા

ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવાની કામગીરીનો ધમધમાટ
પ્રથમ તબક્કામાં 128 કરોડના બિલો બનાવાયા, 71 કરોડ ખેડૂતોને ચૂકવી દેવાયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં ૪ હજાર ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા છે. જેમાં ૧૨૮ કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. અને ૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા સહાય ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી ખરીફ પાકનો સોથ વળી ગયો છે. સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા પાંચ ડિસેમ્બર સુધી પાક નુકસાન વર્તનના ફોર્મ ભરવા અંગેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ હાલના તબક્કામાં જે ખેડૂતો દ્વારા ફોર્મ ભરી નાખવામાં આવ્યા છે તેના ચુકવણા ખેતીવાડી વિભાગ દ્વારા શરૃ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ખેતીવાડી અધિકારીઓ દ્વારા બિલો બનાવવાની કામગીરી શરૃ રાખવામાં આવી હતી પ્રથમ તબક્કામાં ૧૨૮ કરોડ રૃપિયાના બિલો નુકસાની અંગેના બનાવવામાં આવ્યા છે જેમાં ૭૧ કરોડ રૃપિયાના નુકસાની અંગેના બિલો ચુકવણી કરી દેવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતામાં તેની સહાયની રકમ પણ ચૂકવવામાં આવી છે તેવું સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
પાક નુકસાન વળતર ની સહાય મેળવવા માટે મુદતમાં વધારો કરાયો હોવાના કારણે વધુ ૪૦૦૦ નવા ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને હજુ પણ પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ રાખવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તલાટીઓ વીસીઈ ગ્રામસેવકો ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ટીડીઓ સહિતના અધિકારીઓ કામે લગાવવામાં આવ્યા છે અને ૫૦૦થી વધુ કર્મચારીઓને હાલ કામે લગાવી અને તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ચુકવણી થાય તે પ્રકારના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે. જેમ જેમ ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમ બીલો બનાવી અને તાત્કાલિક ચુકવણા ખેતીવાડી વિભાગ કરી રહ્યું છેે.

