Mandvi Conversion Case: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગરીબ અને ભોળી જનતાને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનું એક મસમોટું રેકેટ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સુરતની માંડવી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ધરપકડ કરાયેલા 6 આરોપીઓમાંથી 4 તો વ્યવસાયે શિક્ષક છે, જેઓ સમાજને સાચો રાહ ચીંધવાને બદલે ધર્માંતરણના કાળા કારોબારમાં સામેલ હતા.
શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ અને પુરાવાનો નાશ
પોલીસ તપાસમાં મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીનું નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે મીનાબેન આદિવાસી યુવતીઓને આર્થિક લાલચ આપી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરતા હતા. પોતાની ધરપકડ થશે તેવી શંકા જતાં જ શિક્ષિકાએ ચાલાકી વાપરી પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પોલીસને કોઈ મહત્વના પુરાવા ન મળી શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીનાબેન આ રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા 'રામજી' સાથે સીધા સંપર્કમાં હતા.
આ પણ વાંચો: સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
એક યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે આ ટોળકી દ્વારા તેને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો હતો.
4 આરોપીઓ તો શિક્ષક નીકળ્યા!
પોલીસે અગાઉ રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓની વિગત જોતા જણાય છે કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોનો ઉપયોગ કરીને ગરીબીનો લાભ ઉઠાવવામાં આવતો હતો. આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ બનાવી તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવતા હતા.


