સોજિત્રાના કાસોર ગામના હત્યા કેસમાં 4 વ્યક્તિને આજીવન કેદ

- પેટલાદના એડિ. સેશન્સ જજે 5 હજારનો દંડ પણ ફટકાર્યો
- 2 વર્ષ પહેલાં જમીન ખેડવા બાબતે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં 4 શખ્સોએ લાકડીથી હુમલો કરી હત્યા કરી હતી
સોજિત્રાના કાસોર ગામમાં રહેતા સુરેશભાઈ ઠક્કરની બે વીઘા જમીન આવેલી છે. જે જમીન પૈકી એક વીઘા કાસોરના મોટી વાડીમાં રહેતા રમણભાઈ મહિજીભાઈ પરમાર ભાગે ખેડતાં હતાં અને અન્ય જમીન તેમના કુટુંબી ભાઇ પ્રવિણ માધાભાઈ પરમાર ખેડતાં હતાં. દરમિયાનમાં રમણભાઇ પરમાર ૧૭મી જુલાઇ, ૨૦૨૩ના રોજ સુરેશ ઠક્કરની જમીન ખેડતા હતા. બપોરના સુમારે પ્રવિણ માધાભાઇ પરમાર, કૌશિક વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર તથા ચંદુ જાલમ પરમાર હાથમાં લાકડાના દંડા લઇ આવ્યાં હતાં અને સુરેશ ઠક્કરની જમીનમાં અમારે ડાંગર રોપવાની છે. તમે કેમ રોપો છો ? તેમ કહી અપશબ્દ બોલી રમણભાઇ પરમાર પર હુમલો કર્યો હતો. જોકે, આસપાસના લોકો વચ્ચે પડતાં તેમના પર પણ લાકડાથી હુમલો કર્યો હતો.
હુમલામાં રમણભાઇને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રમણભાઈનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે પ્રવિણ માધા પરમાર, કૌશિક વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર અને ચંદુ જાલમ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.
આ કેસ પેટલાદ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ એ.એસ. જાડેજાની દલીલ, ૧૨ સાહેદ અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી ત્રીજા એડિશનલ સેશન્સ જજ ઝંખના વી. ત્રિવેદીએ ચુકાદો આપ્યો હતો.
આ કેસ પેટલાદ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ એ.એસ. જાડેજાની દલીલ, ૧૨ સાહેદ અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી ત્રીજા એડિશનલ સેશન્સ જજ ઝંખના વી. ત્રિવેદીએ ચુકાદો આપ્યો હતો.
ચારેય આરોપીઓને હત્યા અને મદદગારીમાં દોષિત જાહેર કર્યા હતાં. જેમાં પ્રવિણ માધા પરમાર, કૌશિક ઉર્ફે જાડો વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર, ચંદુ જાલમ પરમાર (રહે. તમામ કાસોર)ને આજીવન કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.









