મહુવામાં યુવાનની હત્યાના ગુનામાં 4 શખ્સોને આજીવન કારાવાસ

- મહુવાના બીજા એડીશનલ સેશન્સ જજનો ચુકાદો
- 5 વર્ષ પૂર્વે ગાંધીબાગ નજીક દિવાળીના તહેવારમાં ફટાકડાની લારી રાખી વેપાર ધંધો કરતા શખ્સને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી
તા. ૧૪-નવેમ્બર-૨૦૨૦ના રોજ રાત્રીના સવા દસેક આસપાસ દિપકભાઈ ઉર્ફે કાળુભાઈ બાબુભાઈ બારૈયાએ તેના કુટુંબી મામા અને મૃતક ગોપાલભાઈ દેવજીભાઈ કોડીયાની સાથે મળી મહુવા સરકારી દવાખાનાથી ગાંધીબાગ જવાના રસ્તે આવેલ કપડાની દુકાન અને ઓમકાર કપડાની દુકાનની વચ્ચે દિવાળીના તહેવારમાં ફટાકડાની લારી રાખી વેપાર ધંધો કરતા હતા ત્યારે રાકેશભાઈ સાંખટ દોડીને ગોપાલભાઈની લારી પાસે આવેલ જેથી ગોપાલભાઈએ રાકેશભાઈ સાંખટને પુછેલ કે 'શું થયુ?' તો તેણે કહેલ કે 'હરેશ અને કોશિક તથા નયન તથા યાજ્ઞિાક તથા વિપુલ ઉર્ફે કાળુ મને મારે છે.' તેમ વાત કરતા હતા ત્યાં આરોપીઓ આવી ગયા હતા અને ગાળા ગાળી કરવા લાગેલ જેથી ગોપાલભાઈએ આરોપીઓને કહેલ કે 'ગાળ બોલોમાં વેપાર ધંધો કરવા દો' તો આરોપીઓ ગોપાલભાઈને ગાળો આપી ધક્કા મારવા લાગેલ અને આરોપી કાઠલો પકડી લીધેલ ત્યારે ફરીયાદી તથા લાલજીભાઈ દેવજીભાઈ ડોડીયાએ છોડાવેલ અને સમજાવી જતા રહેવા કહેલ ત્યારે આરોપીઓ ત્યાંથી જતા રહેલ. થોડીવાર પછી તમામ આરોપી છરી પાઇપ સાથે આવી ફરીયાદી તથા મૃતક ગોપાલભાઈને ગાળો આપી ઝપાઝપી ગોપાલભાઈ પર છરી અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશનલ સેશન્સ જજ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ કે.એચ.કેસરીની દલીલો આધાર પુરાવા, સાક્ષીની જુબાની ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી હરેશભાઈ ભરતભાઈ ભાલીયા, રસીકભાઈ ભરતભાઈ ભાલીયા, નયનભાઈ અશોકભાઈ ડાભી તથા કૌશીકભાઈ જયસુખભાઈ ઉર્ફે જસુભાઈ પરમારને કિ.પ્રો. કોડની કલમ-૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ની સાથે કલમ-૩૪ મુજબના ગુન્હા સબબ તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ તથા દરેક આરોપીને રૂા.પ૦,૦૦૦નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો આથી હુકમ કરવામાં આવે છે.









