Gujarat

ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત

By GS TEAM
17 Dec 20251 min read
ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત

માળિયામિયાણાના ચાચાવદરડા નજીક હિટ એન્ડ રનની કરૂણાંતિકા : ઉત્તર ગુજરાતના 13 પદયાત્રીઓ દ્વારકાની પદયાત્રાએ જતા હતા ત્યારે પાછળ રહેલાં 5 પદયાત્રીનાં ગ્રુપ ઉપર ટ્રક ફરી વળ્યો 

મોરબી, : માળિયામિંયાણાના ચાચાવદરડા ગામ નજીક પીપળીયા જવાના રસ્તા પાસે આજે વહેલી સવારે કરૂણાંતિકા બની હતી. ઉત્તર ગુજરાતથી દ્વારકાની પદયાત્રાએ જઇ રહેલાં પદયાત્રીના ગ્રુપ ઉપર ટ્રક ફરી વળતાં બે સગા ભાઇ સહિત 4 પદયાત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે  એકને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.

ચાચાવદરડા ગામ નજીક પીપળીયા જવાના રસ્તા પાસે આજે વહેલી સવારે ટ્રક ચાલકે દ્વારકા તરફ જઇ રહેલાં પદયાત્રિકોને હડફેટે લીધાં હતા. જેમાં ઘટના સ્થળે ચાર પદયાત્રિકો અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉ.વ. 60) અને તેમના સગાભાઇ ભગવાનભાઇ લાલાભાઇ ચૌધરી (ઉ.વ. 65) (રહે. બન્ને નવાગામ તા.દિયોદર), હાર્દિક માળાભાઇ ચૌધરી તથા દિલીપભાઇ રાયાભાઇ ચૌધરી (રહે. અધગામ, તા.કાંકરેચ)ના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે નરસંગભાઇ સગથાભાઇ પટેલ (ઉ.વ. 50) (રહે. ગામ નવા દિયોદર)ને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં રહેતા કૌટુંબિક સગા-સંબંધીઓ એવા 13 પદયાત્રિકોનું ગ્રુપ દ્વારકાની પદયાત્રાએ નીકળ્યું હતું. તેમાં 8 પદયાત્રિકોનું ગ્રુપ આગળ હતું, જ્યારે 5 પદયાત્રિકોનું ગ્રુપ પાછળ હતું ત્યારે આ 5 પદયાત્રિકોના ગ્રુપ ઉપર ટ્રક ફરી વળ્યો હતો. બનાવના પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી