Get The App

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 4 ના મોત

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 4 ના મોત 1 - image


- બગદાણા દર્શને જતા પરિવારના નિકટના 5 સભ્યોની કાર નદીમાં ખાબકતા ખંભાતના ઉંદેલના યુવકનું મોત 

- બાઈક પડતા આંકલાવના દેવા પુરાના 22 વર્ષના યુવાનનું મૃત્યુ

આણંદ : આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના આંકલાવ અને ખંભાતના ચાર વ્યક્તિના મોત થયા હતા. પુલ તૂટવાની ઘટના બનતા ગંભીરા સહિતના આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત આણંદ જિલ્લાના ફાયરબ્રિગેડ, વહિવટી તંત્રની ટીમો દોડી આવી બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ચાર વ્યક્તિના મોતથી પરિવારમાં ગમગીનિ છવાઈ હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક જ પરિવારના નિકટના પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ૩૩ વર્ષીય પ્રવીણભાઈ રાવજીભાઈ જાદવની સાસરી મુજપુરના નરસિંહપુરા થાય છે. તેઓ ઈકો કારમાં પત્નીને નરસિંહપુરા મૂક્યા બાદ સાળુ ભાઈ તેમજ બે બાળકો સહિતના છ પરિવારજનો ગુરુપૂણમા નિમિત્તે બગદાણા સ્થિત બાપા સીતારામના દર્શને જવા નીકળ્યા હતા. વહેલી સવારના સુમારે તેઓની ઇકો કાર ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેતી ત્યારે બ્રિજનો એક ભાગ અચાનક ધરાશય થતા આખે આખી ઈકો કાર નદીમાં ખાબકી હતી અને ઇકો કારમાં સવાર છ પૈકીના પાંચ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. જેમાં ચાર વર્ષીય વૈદિકા રમેશભાઈ પઢિયાર અને બે વર્ષીય નૈતિક રમેશભાઈ પઢીયાર નામના બે માસુમ બાળકોના પણ કરુણ મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સાથે ઇકો કારમાં સવાર બંને બાળકોના પિતા રમેશભાઈ રાવજીભાઈ પઢીયારનું પણ અવસાન થયું હતું. તથા કહાનવાના ૫૫ વર્ષીય વખતસિંહ મનુસિંહ જાદવનું પણ મૃત્યુ થયું હતું.

આંકલાવ તાલુકાના દેવાપુરા ગામે રહેતા ૨૨ વર્ષીય અપરણિત રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા ડભાસા નજીક મહલી ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતા હતા. રાબેતા મુજબ આજે સવારના સુમારે તેઓ દેવાપુરા ખાતેથી નોકરીએ જવા બાઈક લઈને નીકળ્યા હતા અને લગભગ સવારના ૭ઃ૩૦ કલાકની આસપાસના સુમારે તેઓ ગંભીરા બ્રિજ ઉપર થઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બ્રિજનો એક ભાગ તૂટીને નદીમાં ખાબકતા રાજેશભાઈ ચાવડા પણ બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા અને તેમનું કરુણ મોત નીપજતા સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ખેત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ચાવડાના પરિવારના ૨૨ વર્ષીય પુત્રનું આ દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. પરિવારજનોને ક્યાં ખબર હતી કે રાજેશ ચાવડા કંપનીમાં નોકરી માટે જાય છે તે સફર તેની જિંદગીની પણ આખરી સફર હશે !

આણંદ જિલ્લાના મૃતકોની યાદી

મૃતકનું નામ

ઉંમર

સરનામુ

રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા

૨૨

દેવાપુરા ગામ, આંકલાવ

પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ

૩૩

ઉંદેલ ગામ, ખંભાત

કાનજીભાઈ મેલાભાઈ માછી

૪૦

ગંભીરા, આંકલાવ

જશુભાઈ શંકરભાઈ

૬૫

ગંભીરા, આંકલાવ

Tags :