Gujarat

પોરબંદરમાં સિંહ, વાઘના શંકાસ્પદ અવશેષો સાથે 4 શખ્સો ઝડપાયા

By GS TEAM
12 Mar 20261 min read
પોરબંદરમાં સિંહ, વાઘના શંકાસ્પદ અવશેષો સાથે 4 શખ્સો ઝડપાયા

વન વિભાગની ટીમ દ્વારા ચોપાટી મેદાન ખાતે દરોડો : જપ્ત કરાયેલા અવશેષોનાં FSL પરીક્ષણ માટે કાર્યવાહીઃ 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

પોરબંદર, : પોરબંદરના ચોપાટી મેદાનમાં મધ્યપ્રદેશના શખ્સો સિંહ અને વાઘના શંકાસ્પદ અવશેષો લઈને આવ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગની ટીમે દરોડો પાડી ચાર પરપ્રાંતિય શખ્સોને સિંહ, વાઘના શંકાસ્પદ અવશેષો સાથે ઝડપી ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તથા અવશેષોની એફ.એસ.એલ. તપાસની કાર્યવાહી હાથ ધરી છે. 

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદકુડેના માર્ગદર્શન હેઠળ, બરડા અભ્યારણ્ય (રાણાવાવ)ની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમને મળેલી બાતમીના આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક પરપ્રાંતિય લોકો વન્ય પ્રાણીઓના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ અને વેપાર કરતા હોવાની હકીકત સામે આવી હતી. 

વન વિભાગની ટીમે આ મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સામે 'ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972'ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આરોપીઓ પાસેથી વન્ય પ્રાણીઓના શંકાસ્પદ નખ તેમજ કસ્તૂરી મૃગના શંકાસ્પદ કસ્તૂરી પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા આ અવશેષો સાચે જ વન્ય પ્રાણીઓના છે કે કેમ તેની ખાતરી કરવા માટે મુદ્દામાલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીના પરીક્ષણ બાદ જ હકીકત જાણી શકાશે.