ટ્રેનના શૌચાલયમાંથી ગાંજાનો જથ્થો ભરેલ ચાર પેકેટો મળ્યા
ગાંજાના પેકેટો શૌચાલયના કચરાપેટીમાં છુપાવ્યા હતાં ઃ પોલીસ દ્વારા વધુ તપાસ
વડોદરા, તા.3 ઓરિસ્સાથી રાજસ્થાન તરફ જતી ટ્રેનના રિઝર્વેશન કોચના શૌચાલયમાંથી બિનવારસી ગાંજાનો જથ્થો મળતાં પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેનના એસ-૨ કોચના એન્જિન તરફના ડાબી બાજુના શૌચાલયમાં ખાખી સેલોપેટ વિંટાડેલ ચાર પેકેટો મળ્યા છે જેમાં ગાંજાનો જથ્થો હોવાનું જણાય છે તેવો મેસેજ ટ્રેનના સફાઇ કર્મચારીએ કંટ્રોલરૃમને આપ્યો હતો. બાદમાં આજે સવારે ટ્રેન પ્લેટફોર્મ નંબર-૪ પર આવીને ઊભી રહેતાં પોલીસ તેમજ આરપીએફના માણસો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શૌચાલયમાં મૂકેલ કચરાપેટીમાં કચરાની નીચે ચાર પેકેટો સંતાડેલા મળ્યા હતાં. સફાઇ કર્મચારીને પૂછતા તેણે એક પ્રવાસીએ જાણ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૃા.૮૦ હજાર કિંમતનો ૮ કિલો ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.