વડોદરામાં વધુ 4 બાંગ્લાદેશી મહિલા પકડાઇ,કુલ 24 બાંગ્લાદેશીને ડીપોર્ટ કરાશે
ઘૂસણખોરોમાં નાસભાગ મચતાં પોલીસ દ્વારા બંગાળ જતા તમામ રૃટ પર પણ તપાસ
વડોદરાઃ શહેરમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસની ઝુંબેશ ચાલુ રહેતાં આજે વધુ ચાર બાંગ્લાદેશી મળી આવ્યા છે.જેથી પોલીસ દ્વારા કુલ ૨૪ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાની ઘૂસણખોરોને શોધવા માટે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાથી પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશને સફળતા પણ મળી છે અને વડોદરામાંથી ૧૪ બાંગ્લાદેશી મળી આવ્યા છે.જ્યારે,આજે વધુ ચાર મહિલા મળી આવી હતી.આ ઉપરાંત અગાઉ જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં છ બાંગ્લાદેશી પકડાયા હતા.જેમને એસઓજી માં રાખવામાં આવ્યા હતા.
આમ,અત્યાર સુધીમાં વડોદરા પોલીસ પાસે કુલ ૨૪ બાંગ્લાદેશી પકડાયેલા છે અન્જ તેમને ડીપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે,૭૦ શકમંદોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.
પોલીસે જે રીતે ઘૂસણખોરો સામે સકંજો કસ્યો છે તે જોતાં તેમનામાં ભારે ગભરાટ ફેલાયો છે અને બચવા માટે નાસભાગ મચી હોવાનું મનાય છે.પરંતુ પોલીસે બંગાળ તરફના રેલવે તેમજ રસ્તાના રૃટ પર પણ ચેકિંગ શરૃ કરીને તેમને બચવાની કોઇ તક ના મળે તે રીતે ચેકિંગ શરૃ કર્યું છે.
શહેરમાં મળેલી ચાર બાંગ્લાદેશી મહિલા મુંબઇથી આવી હતી
શહેરમાં મળી આવેલી ચાર બાંગ્લાદેશી મહિલાઓનું ગુપ્તચર એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે.
આ મહિલાઓ છેલ્લા ચાર વર્ષના સમય ગાળામાં આવી હોવાની માહિતી મળી છે.તેઓ મુંબઇથી વડોદરા આવ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી ખૂલી છે.
વડોદરામાં આવવાનું કારણ,તેના સંપર્કો તેમજ પુરાવા કેવી રીતે મેળવ્યા તે વિશે પોલીસની એજન્સીઓ દ્વારા ચારેય મહિલાઓની પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના ડિટેન્શન સેન્ટર ખાતે રાખીને પૂછપરછ કરવામાં આવી છે.