દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ
Vadodara : દુમાડ ગામ પાસે મોડી રાત્રે નકલી પોલીસ બનીને આવેલા ચાર શખ્સોએ બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૂપિયા 1.87 લાખ રોકડા તેમજ બે મોબાઈલ તફડાવીને ફરાર થઈ ગયા હતા.
વડોદરા નજીક આવેલા વડદલા ગામે બાપાસીતારામવાળા ફળિયામાં રહેતા દિવ્યેશ સુરેશભાઈ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું છેલ્લા ત્રણ વર્ષથી રઘુવીરસિંહ પરમારની બરોડા ડેરીમાં ચાલતા ઇન્સ્યુલેટર ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરું છું. અમારે સાવલી રૂટ હોવાથી રોજ બરોડા ડેરીમાંથી દૂધ તેમજ તેની પ્રોડક્ટો લઈને સાવલી તાલુકામાં વેચાણ માટે જવાનું હોય છે.
તારીખ 5 ના રોજ હું તેમજ શેઠનો માણસ કલ્પેશ ચંદ્રકાંત વણકર બંને બરોડા ડેરીમાંથી દૂધની પ્રોડક્ટો લઈને વેચાણ માટે સાવલી તાલુકામાં નીકળ્યા હતા. તાલુકાના વિવિધ ગામોમાં આવેલી દુકાનોમાં દૂધની પ્રોડક્ટો વેચી તેની રોકડ રકમ લઈને અમે વડોદરા પરત ફરતા હતા.
મોડી રાત્રે દોઢ વાગે દુમાડ ગામે બાપાસીતારામની મઢૂલી પાસે અમારો ટેમ્પો ઉભો રાખી હાથ પગ ધોઈને અમો બને ઉભા હતા તે વખતે 3 અજાણ્યા શખશો આવ્યા હતા અને અમે પોલીસ છે અમને માહિતી મળી છે કે તમે પાંડુ તરફથી દૂધની ગાડીમાં દારૂનો જથ્થો સંતાડીને લાવો છો એટલે ગાડી ચેક કરવાની છે તેમ જણાવી ટેમ્પાનો દરવાજો ખોલાવ્યો હતો અને ચેક કરાવ્યું હતું. બાદમાં કેબિન પણ ચેક તેમને ચેક કરી હતી.
ગાડીમાંથી શંકાસ્પદ કશું નહીં મળતા ત્રણે જણાએ તમારે ગાડી લઈને મંજુસર પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવી ત્રણે જણા અમારા ટેમ્પોથી થોડે દૂર ઉભી રાખેલી સફેદ રંગની કારમાં બેસી ગયા હતા. તેઓ આગળ જતા હતા અને હું તેમ જ કલ્પેશ બંને ટેમ્પાની કેબિનમાં બેસી મારી સીટ પાછળ દૂધની પ્રોડક્ટના વેચાણના 1.87 લાખ રૂપિયા મૂકેલી થેલી જોઈ તો તે મળી ન હતી. પોલીસના નામે ત્રણેય શખશો મારો તેમજ કલ્પેશનો મોબાઇલ પણ સાથે લઈ ગયા હતા. અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કારનો પીછો કરેલ પરંતુ તે જતી રહી હતી. આ અંગે અમારા શેઠને વાત કર્યા બાદ તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે મંજુસર પોલીસે ચાર નકલી પોલીસની શોધખોળ હાથ ધરી છે.