વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી 4 ઈસમે યુવાનનું અપહરણ કર્યું
- યુવાને સબંધી પાસેથી રૂા. 1.60 લાખ વ્યાજે લીધા હતા
- પુત્ર અને પુત્રીને સ્કૂલેથી તેડવા જતા યુવાનને કારમાં ઉઠાવી 4 શખ્સે માર મારી ધમકી આપી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ ધીરુભાઈ મકવાણાએ તેમના સંબંધી હરેશ રાજુભાઈ પુનાણી (રહે.ગાયત્રી સ્કૂલ પાસે, હાદાનગર) પાસેથી દોઢ વર્ષ પહેલા રૂ.૧.૬૦ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા અને કટકે કટકે પૈસા ચૂકવાતા હતા. દરમિયાનમાં ગઈકાલે બપોરના સમયે હરેશભાઈ પોતાની બાઇક લઈને પુત્ર અને પુત્રીને તેડવા માટે જતા હતા. તેવામાં હાદાનગર સરકારી સ્કૂલ પાસે હરેશ રાજુભાઈ પુનાણી અને એક અજાણ્યા ઇસમ કારમાં ધસી આવ્યા હતા. અને હરેશને હજુ સુધી મારા પૈસા કેમ આપતો નથી અને મારો ફોન કેમ ઉપાડતો નથી, તેમ કહી ગાળો આપી થપાટ મારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને હરેશભાઈને કારમાં બેસાડી હાદાનગર સ્કુલથી, રેલ્વે ગાઉન્ડ થઈને શાસ્ત્રીનગરના ગઢેચી વડલા થઈને પાણીની ટાંકી પાસે થઇને ટાપ-૩ સર્કલ પાસે લઈ ગયેલ હતા. ટોપ-૩ સર્કલ પાસેથી બે અજાણ્યા ઇસમો કારમાં સવાર થયા હતા. અને આ બન્ને ઈસમોએ રૂપિયા આપી દેવા દબાણ કરી ધમકી આપી સાંજના સમયે હરેશભાઈને આર.ટી.ઓ. સર્કલ પાસે ઉતારી ચારેય શખ્સ જતા રહ્યા હતા. આ બનાવ સંદર્ભે હરેશભાઇએ ચાર ઇસમ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.