Get The App

પ્રેમ લગ્ન કરતાં સાળા સહિત 4 શખ્સે બનેવીનું અપહરણ કરી કાસળ કાઢી નાખ્યું

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમ લગ્ન કરતાં સાળા સહિત 4 શખ્સે બનેવીનું અપહરણ કરી કાસળ કાઢી નાખ્યું 1 - image


- બોટાદના યુવાને દોઢ વર્ષ પૂર્વે પ્રમ લગ્ન કર્યા હતા 

- પ્રેમ લગ્ન કર્યાની દાઝે ત્રણ દિવસ પૂર્વે કારમાં અપહરણ  કરી લઇ ગયા, સાયલા નજીક લોહિયાળ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો 

ભાવનગર : મિત્ર સાથે બોટાદથી મોરબી જતાં બનેવીનું પ્રેમ લગ્નની દાઝમાં સાળા સહિતના ચાર શખ્સોએ કાસળ કાઢી નાંખ્યું હતું. ચારેય હત્યારાએ ફિલ્મી ઢબે બનેવીની કારનો પીછો કરી ત્રણ દિવસ પૂર્વે તેનું સરાજાહેર અપહરણ કરી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે સાયલા નજીકના જંગલ વિસ્તારમાંથી યુવાનના મૃતદેહનો કબ્જો લઈ ચારેય હત્યારાની શોધખોળ શરૂ કરી છે. 

બોટાદના ગઢડા રોડ સરકારી નિશાળ પાછળ ક્રિષ્નાનગરમાં રહેતા પિન્ટુ દિલિપભાઈ ઓળકિયાએ દોઢ વર્ષ પૂર્વે પાળીયાદ રોડ ઉપર રહેતા અજીતભાઈ ખાચરની પુત્રી સેજલ સાથે પ્રેમલગ્ન કર્યાહતા. તેવામાં ગત તા.૧૯ના રોજ પિન્ટુ અને તેના મિત્ર હરેશ સાપરા સાથે મિત્રની કાર લઈને મોરબી જવા માટે નિકળ્યા હતા ત્યારે,પરિણીતાના ભાઈ ઉદય અજીતભાઈ ખાચર ઉપરાંત તેના કુટુંબી ભાઈ કુલદિપ ખાચર (રહે.મોટા માત્રા તા.વિંછિયા), ચેતન ઉર્ફે ચેતો પ્રજાપતી (રહે. બોટાદપરા) તથા એક અજાણ્યા ઈસમે કાળા કલરની ફોર  વ્હીલ  કારમાં આવી પિન્ટુની ગાડીને હાઇવે રોડ ઉપર ઉભી રખાવવાનો પ્રયાસ હતો. અને હાઈ-વે પર સાયલા જવાના રસ્તે કાર આડી રાખી પિન્ટુની કારને અટકાવી હતી.કારમાં સવાર હરેશ નીચે ઉતરતાં તેમની કારનો પીછો કરનાર નંબર પ્લેટ વગરની કારમાંથી બે અજાણ્યા બુકાનીધારી પાઈપ તથા છરી સાથે ઉતરતાં પિન્ટુ તેના મિત્ર હરેશને ત્યાં છોડીને કાર લઈ ભાગ્યો હતો.જેની પાછળ બુકાનીધારી સહિતનાએ કાર ચલાવી પીછો કર્યો હતો. જો કે, હરેશ અન્ય વાહન મારફતે નાના છૈડા ગામે પહોંચ્યા ત્યારે પિન્ટુ જે કારમાં હતો તે કારના કાચ,દરવાજા તૂટેલી હાલતમાં બિનવારસી હાલતે મળી આવી હતી, પરંતુ પિન્ટુ મળી આવ્યો ન હતો.બનાવ અંગે પાળિયાદને જાણ કરવામાં આવતાં પોલીસે અપહ્ય યુવાનની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં બનાવના આજે ત્રીજા દિવસે મોડીસાંજે સાયલા તાલુકાના નઢાળા ગામની સીમ, જંગલ વિસ્તારમાંથી તેનો લોહિયાળ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેનો કબ્જો લઈ યુવાન પિન્ટુના ભાઈ વિપુલભાઈની ફરિયાદના આધારે ચાર અપહરણકર્તાઓ વિરૂદ્ધ અપહરણ અને હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધ્યો છે અને હત્યારાઓને ઝડવી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.

Tags :