મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ૪ શખ્સોનો હુમલો
ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામમાં
જાતિ વિષયક શબ્દો બોલીને છરી વડે માર મારવામાં આવ્યો ઘાયલને સારવાર માટે ખસેડાયા ઃ પોલીસ દ્વારા તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ખોડીયાર ગામમાં મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા અડાલજના વૃદ્ધ ઉપર ચાર જેટલા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ
ગામમાં રોહિત વાસ ખાતે રહેતા મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર વર્ષોથી તેમના પરિવારની
રીતે મુજબ મૃત પશુઓની ખાલ ઉતારવાનું કામ કરે છે. ગત ૨૫ ઓગસ્ટના રોજ કુડાસણ ખાતે
મૃત ગાય તેમના પરિચિત લઈ આવ્યા હતા અને તે ખોડીયાર ગામના પરા ખાતે આવેલા લેટેસ્ટ
હાઉસમાં રાખવામાં આવી હતી અને મહેન્દ્રભાઈને જાણ કરવામાં આવતા તેઓ આ લેટેસ્ટ હાઉસ
ખાતે પહોંચ્યા હતા અને ગાયનો નિકાલ કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન, ચાર છોકરાઓ ત્યાં
આવ્યા અને તેમને જીવતા ઢોર કેમ કાપે છે તેમ પૂછયું હતું. જવાબમાં
મહેન્દ્રભાઈએ પોતાની જાતિ હિન્દુ ચમાર હોવાનું અને આ તેમનો વંશ પરંપરાગત જાતીય
વ્યવસાય હોવાનું જણાવ્યું હતું.
આ સાંભળીને,
કાળી ટી-શર્ટ પહેરેલા અને દાઢીવાળા સચિન સુથારે તેમને જાતિ વિષયક શબ્દો બોલી
ગાળો બોલવાનું શરૃ કર્યું હતું. સચિને છરી કાઢી, જેના કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન, અન્ય ત્રણ શક્ષોએ
લોખંડની પાઈપ અને ધોકા વડે મહેન્દ્રભાઈને માર માર્યો હતો. સચિને તેમને પીઠની જમણી
બાજુ અને ડાબા હાથની હથેળી પર છરી મારી ઇજા પહોંચાડી હતી.
મહેન્દ્રભાઈની બૂમાબૂમ સાંભળીને જાસપુર ગામના વિષ્ણુભાઈ સવજીભાઈ સોલંકીએ તેમને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ પોલીસને બોલાવી હતી. ઇજાઓ થઈ હોવાથી, તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.