મકાનના સમારકામ વખતે દીવાલ પડતા 4 મજૂર દટાયા, એકનું મોત
- આણંદ તાલુકાના વડોદ ગામમાં
- ટાઈલ્સો કાઢતી વખતે બાજુના ઘરની દીવાલ અચાનક ધરાસાયી થઈ : એકની હાલત ગંભીર
આણંદ તાલુકાના વડોદ ગામની ફોરેન સ્ટ્રીટમાં રહેતા અશોકભાઈ બ્રહ્મભટ્ટનું મકાન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારના સુમારે મકાનની ટાઇલ્સો કાઢવાની કામગીરી માટે ચાર મજૂરો આવ્યા હતા. કામગીરી ચાલી રહી હતી ત્યારે બાજુમાં આવેલા મકાનની દીવાલ અચાનક ધરાસાઈ થઈ હતી. જેથી દીવાલના કાટમાળ નીચે ચાર મજૂરો દબાઈ ગયા હતા. આ ઘટનાને લઇ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિકોએ દિવાલનો કાટમાળ હટાવી મજૂરોને બહાર કાઢયા હતા. જે પૈકી શાંતાબેન ચુનારાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને તરત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અપ મૃત્યુની નોંધ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.