Gujarat

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા

By GS TEAM
26 Feb 20262 mins read
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા

- ગેસ લીકેજ થવાથી બે સિલિન્ડર બ્લાસ્ટ થયા, મોટી દુર્ઘટના ટળી

- મહુવા નગરપાલિકાના ફાયર સ્ટાફે આગ બે કલાકની જહેમતે આગ કાબુમાં લીધી

ભાવનગર : મહુવાના લાતી બજારમાં આવેલા રહેણાંકી મકાનમાં આજે બપોરના સમયે ગેસ લીક થવાથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી બે કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી.

મહુવાના લાતીબજારમાં આવેલા ખોડિયાર મંદિર પાછળ આવેલા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળાના રહેણાંકી મકાનમાં આજે બપોરના ૧૨.૪૫ કલાકના અરસામાં ગેસ લીક થવાના કારણે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળા, વિજયભાઈ વલ્લભભાઈ વાળા તથા અન્ય બે લોકો મળી કુલ ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અફરાતરફથીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકાના ફાયર સ્ટાફનો મસમોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આશરે ૩૦થી ૪૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી બે કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં ઘરનો બધો માલસામાન બળીને ખાક્ થયો હતો. જ્યારે આજુબાજુના મકાનને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે સિલિન્ડર બ્લાસ્ટ થવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. આ દુર્ઘટનામાં ચાર લોકોને નાની મોટી ઈજા સિવાય કોઈ જાનહાનિ નહી થતાં મોટી દુર્ઘટના ટળી છે.