ગિરનાર ક્ષેત્રમાં 4, વંથલીમાં 3, જૂનાગઢ અને મેંદરડા પંથકમાં અઢી ઇંચ વરસાદ

દશેરાની ઉજવણીના રંગમાં વરસાદે ભંગ પાડયો : વિલિંગ્ડન ડેમ ફરી ઓવરફ્લો : ગિરનાર-દાતાર પર્વત પરથી ઝરણાંનાં વહેણ યથાવત
જૂનાગઢ, : જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં આજે પણ વરસાદની સવારી જારી રહી હતી. ગિરનાર ક્ષેત્રમાં ચાર ઇંચ તો વંથલીમાં ત્રણ જૂનાગઢ અને મેંદરડા પંથકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. આજે ફરી વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. ગિરનાર-દાતાર ક્ષેત્રમાંથી વહેતા ઝરણાના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. સતત પાંચમા દિવસે વરસાદના કારણે દશેરાની ઉજવણી ફિક્કી જોવા મળી હતી.
છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રિના આયોજન બંધ છે. લોકોને હતું કે દશેરા સુધીમાં વરસાદ વિરામ લેશે પરંતુ આજે તો વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ગિરનાર તેમજ દાતાર ક્ષેત્રમાં ધોધમાર ચારેક ઇંચ જેટલો વરસાદ થતાં કાળવા, સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. વિલિંગ્ડન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. ગિરનાર-દાતાર ક્ષેત્રમાં વરસાદ બાદ આજે પણ વહેતા ઝરણાઓના લીધે મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા.
વંથલીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. બપોર સુધી ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેરમાં બપોર સુધીમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. બપોરે વરસાદે વિરામ લેતા લોકો જલેબી-ફાફડા લેવા નીકળ્યા હતા, જ્યારે મેંદરડામાં પણ અઢી ઇંચ વરસાદ પડતા મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું. આગોતરી મગફળી પાકી ગઈ છે ત્યારે વરસાદ પડતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
આ ઉપરાંત વિસાવદર, માળિયાહાટીના પંથકમાં દોઢ-દોઢ ઇંચ, માણાવદર, કેશોદ, ભેંસાણ પંથકમાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો, જ્યારે માંગરોળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારથી જ વરસાદ શરૂ થઈ જતા દશેરાની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો. આજે દશેરાના દિવસે ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ પણ ટુંકમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.








