Gujarat

આણંદના બોરસદ તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

By GS TEAM
8 Jul 20252 mins read
આણંદના બોરસદ તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

- સોમવારે સાંજે 4 પછી વીજળીના કડાકા, ભારે પવન સાથે 

- આણંદમાં એક, તારાપુર અને સોજીત્રામાં પોણો અને ઉમરેઠમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો

આણંદ : આણંદ જિલ્લામાં સોમવારે બપોર પછી એકાએક કાળા ડિબાગ વાદળો આકાશમાં ચડી આવ્યા હતા. જેને કારણે જિલ્લાભરમાં વરસાદની શરૂઆત થવા પામી હતી પરંતુ બોરસદ તાલુકામાં વરસાદી હેલી કરતા ચાર કલાક સુધી સતત વરસાદ થયો હતો જેને કારણે  માત્ર ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ફરી વળ્યા હતા. 

ખેતરો પણ પાણીથી તરબોળ થઈને દરિયા જેવા દેખાવા માંડયા હતા. જ્યારે જિલ્લામાં તારાપુરમાં ૨૧ મિ.મી., સોજીત્રામાં ૨૧ મિલીમીટર ઉમરેઠમાં ૧૨ મિ.મી., આણંદમાં ૩૧ મિ.મી., પેટલાદમાં ૪ મિ.મી., ખંભાતમાં ૧૨ મિ.મી. અને આકલાવમાં ૮ મિ.મી. વરસાદ માત્ર સાંજના ચાર કલાકમાં જ થવા પામ્યો હતો.

સઝનનો કુલ વરસાદ ૪૩૯.૨૫ મીમી એટલે કે ૧૭.૫૭ ઈંચ વરસાદ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદમાં તાલુકામાં ૨૧.૯૮ ઈંચ નોંધાયો છે. જ્યારે તારાપુરમાં ૨૧.૦૪, સોજીત્રામાં ૧૪.૬૮, ઉમરેઠમાં ૭.૨૮, આણંદમાં ૧૮.૮૪, ખંભાતમાં ૨૦.૯૬, પેટલાદમાં ૨૧.૫૯, અને આંકલાવમાં ૧૪.૫૨ ઈંચ વરસાદ પડયો હતો.  સોમવારે ૪ વાગ્યા પછી એકાએક જિલ્લાભરમાં  વાદળો છવાઈ ગયા હતા અને ધોધમાર વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. જેને કારણે અંધકાર પણ છવાઈ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા સ્થળોએ વીજળી ડૂલ થઈ જવા પામી હતી. વરસાદની સાથે પવન ફુંકાતા વીજતંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલાય ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાવા પામી છે. જેને લઈને ડાંગરના ધરૂવાડિયા કોહવાઈ  જવાની બીક ખેડૂતોમાં સતાવી રહી છે છે. ખેતીવાડી વિભાગના અહેવાલ અનુસાર આ વર્ષે સારો વરસાદ હોય ડાંગરનું વાવેતર પણ વધશે તેમ મનાઈ રહ્યું છે. ભાલ પંથકના ખંભાત, તારાપુર અને સોજીત્રા તાલુકામાં હાલમાં ડાંગરની રોપણી કરાઈ રહી છે.