Get The App

રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત 1 - image

- ગેરકાયદેસર માટી ખનન પર ખાણ ખનીજ વિભાગનો દરોડો

- ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ, સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી, જવાબદારો સામે પણ તપાસ કરાશે 

નડિયાદ : ખેડા તાલુકાના રઢુ ગામમાં સરકારી જમીન પર મોટાપાયે ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન પર ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ, નડિયાદ અને અમદાવાદ ખાણ ખનીજ વિભાગની ટીમોએ સંયુક્ત દરોડા પાડી ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી છે. જેમાં એક હિટાચી મશીન અને ૪ ડમ્પર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

રઢુ ગામે સરકારી જમીન ખોદી નાખીને માટી માફિયાઓ દ્વારા લાંબા સમયથી કરોડોનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. ખેડા મામલતદાર કચેરીને આ અંગે અગાઉ અનેક રજૂઆતો અને ફરિયાદો મળી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિક તંત્રની આ નિષ્ક્રિયતા અથવા મિલીભગત સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે રાજ્ય કક્ષાની ફ્લાઈંગ સ્ક્વોડ અને અન્ય જિલ્લાના ખાણ ખનીજ વિભાગના હસ્તક્ષેપથી આખરે ગેરકાયદેસર ખનન બંધ કરાવવામાં આવ્યું છે. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા તમામ વાહનોને સીઝ કરી દેવામાં આવ્યા છે અને જવાબદારો સામે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ ઓચિંતી કામગીરીથી સમગ્ર પંથકમાં ખનીજ માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે. હાલમાં તંત્ર દ્વારા માટી ચોરીની ચોક્કસ કિંમત અને તેમાં સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા માટે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.