100થી વધુ ગામોને વિશ્વાસમાં લીઇ નિર્ણય લેવાશે
ઉનાળાની તૈયારીના ભાગરૃપે વાલ્વ અને સંપ રિપેરિંગના કામો માટે આયોજન ધોળીધજા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ દ્વારા ધોળીધજા ડેમ મારફતે ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળાની શરૃઆતમાં લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે દર વર્ષે સંપની સફાઈ, વાલ્વ રિપેરિંગ અને મોટર રિપેરિંગ સહિતના કામો કરવામાં આવે છે. આ વર્ષે પણ ૨ ડિસેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી ચાર દિવસનો પાણીકાપ લેવાની વિચારણા હતી, જેથી ૧૦૦થી વધુ ગામોના સંપ અને વાલ્વમાં ફોલ્ટ ન સર્જાય. જોકે, શિયાળામાં પાણી કાપને કારણે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા હવે આ નિર્ણય અંગે ફેરવિચારણા શરૃ કરવામાં આવી છે.
પાણી કાપના નિર્ણય મામલે વિવાદ થતા કાર્યપાલક ઈજનેર દ્વારા હવે તમામ એજન્સીઓ અને નાયબ કાર્યપાલક ઈજનેરને પૂછીને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયું છે. ૧૦૦થી વધુ ગામોના લોકોને બિનજરૃરી હાલાકી ન પડે અને રિપેરિંગનું કામ પણ વ્યવસ્થિત થાય તે માટે હવે ગ્રામીણ વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઈને અને પૂરતી જાણકારી આપ્યા બાદ જ ધોળીધજા ડેમમાંથી પાણી પુરવઠો બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી આ અંગે કોઈ અંતિમ તારીખ જાહેર કરાઈ નથી.


