Gujarat

રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

By GS TEAM
2 Oct 20252 mins read
રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

મુખ્ય સૂત્રધારે આઠેક રાજ્યોમાંથી સોનું ચોરી કર્યું છે : સૂત્રધારને મેઘાલયથી, બાકીનાં 3 આરોપીઓને પોલીસે પશ્ચિમ બંગાળ અને રાજકોટથી સકંજામાં લીધા

રાજકોટ, : શહેરની સોની બજારમાં પેઢી ધરાવતા તરૂણભાઇ પાટડીયાનો વર્કશોપમાં એક જ દિવસ નોકરી કરી રૂા. 1 કરોડથી વધુ રકમનું સોનુ ચોરી ભાગી ગયેલા પશ્ચિમ બંગાળનાં જીન્નોત ઉર્ફે સફીફુલે શેખ અને તેની સાથે કાવત્રામાં સામેલ પશ્ચિમ બંગાળનાં જ સહાજન જલીલ મંડલ, પિન્ટુ ઇર્શાદઅલી શેખ અને જાફર હુશેન શેખને એ-ડીવીઝન પોલીસે ઝડપી લઇ ચોરી કરેલું રૂા. 85 લાખનું સોનુ કબજે કર્યું છે. એ-ડિવિઝનનાં પીઆઇ બી.વી. બોરીસાગરે ક્રાઇમ બ્રાંચની મદદથી ચોરી કરનાર જીન્નેશનો પીછો શરૂ કરતાં તે જયપુરમાંથી આસામ અને પછી મેઘાલયનાં ચેરાપુંજી પહોંચ્યો હતો. જ્યાંથી તેને પીએસઆઇ બી.આર. સાવલીયાએ ઝડપી લઇ રાજકોટ લાવી 9 દિવસનાં રિમાન્ડ પર મેળવ્યો હતો.

તેણે આપેલી માહિતીના આધારે બાકીનાં ત્રણ આરોપીઓમાં સહાજનને પશ્ચિમ બંગાળનાં હુગલી અને બાકીના બંને આરોપીઓ પીન્ટુ અને જાફરને રાજકોટથી ઝડપી લીધા હતા. આ ચારેય આરોપીઓએ ચોરી કરેલું સોનુ પશ્ચિમ બંગાળમાં વેંચી નાખ્યું હતું. જ્યાંથી પોલીસે રૂા. 85 લાખનું 1076.99 કિ.ગ્રામ સોનુ કબજે કર્યું હતું.

પોલીસે જણાવ્યું કે ચારેય આરોપીઓ કારીગરો છે અને ચારેયએ મળી પૂર્વ યોજીત કાવતરૂ રચી ચોરી કરી હતી. મુખ્ય સુત્રધાર જીન્નેશે તો થોડા દિવસો પહેલા જ પંજાબનાં લુધીયાણાથી ૫૦૦ ગ્રામ સોનુ ચોરી કર્યું હતું. જે અંગે તેના વિરુધ્ધ ત્યાંની પોલીસમાં ગુનો નોંધાતા ટુંક સમયમાં તેનો કબજો લેશે. એટલું જ નહીં તેણે આ રીતે તામિલનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનાં મુંબઇ સહિત અંદાજે આઠેક રાજ્યોમાંથી લાખો રૂપિયાનું સોનુ ચોર્યું છે. તે વેપારીને ત્યાં નોકરીએ રહી મોકો મળે તે સાથે જ પોતાની ચોરી કરવાની ટેવ ધરાવે છે. રાજકોટમાં પણ તેણે અન્ય આરોપીઓ સાથે મળી પૂર્વયોજીત કાવતરૂ રચી સોનુ ચોરી કર્યું હતું.