ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા 4 ઝડપાયા
- બે જુગારીયા ફરાર : 25 હજારનો મુદ્દામાલ જપ્ત
- તાલુકામાં ધોરાજીના નામચીન બુકીનાં નેટવર્ક હેઠળ જુગાર ચાલતો હોવાની ચર્ચા!
ચોટીલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જૂના બસસ્ટેન્ડ ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સો તીનપત્તી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગયેલ હતી. જેમા ભરતભાઇ સતાભાઈ વાઘેલા અને સામતભાઇ છનાભાઇ નાસી છુટયા હતા પરંતુ પોલીસનાં હાથે ઘેટીભાઇ હસુભાઇ કોરડીયા, હરેશભાઇ નથુભાઇ રાઠોડ, અમીનભાઇ આદમભાઇ સંધી, મનીષભાઇ નાથાભાઈ વાઘેલા (રહે. તમામ ચોટીલા વાળા રૂ.૧૫,૫૧૦ તથા મોબાઇલ નંગ-૨ રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૨૫,૫૧૦ના મુદામાલ સાથે ઝડપાઇ જતા તમામ વિરૂદ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા પોલીસે સામાન્ય જુગારીઓને પકડી કાર્યવાહી કરી છે ત્યારે પંથકમાં દારૂ જુગારની બદી મોટા પ્રમાણમાં ગોઠવાયેલ સિસ્ટમ હેઠળ ચાલતી હોવાની રાવ ઉઠી છે. શહેરનાં ચોક્કસ વિસ્તારમાં ફોર વ્હીલ અને ટૂ વ્હીલર દ્વારા ઇગ્લીશ દારૂનાં ચોક્કસ પોઇન્ટ ઉપર થી વેચાણ થતું હોવાની તેમજ ધોરાજી પંથકનાં નામચીન બુકી દ્વારા સમયાંતરે મોટો જુગાર રમતા પંટરો બહારથી લાવી આ વિસ્તારમાં ચોક્કસ સ્થાનિકોને સાથે રાખી ખેલ ખેલવામાં આવતો હોવાની પણ ચર્ચા છે.
જે અંગે પણ પોલીસ તપાસનાં ચક્રો ગતિમાન કરી કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.