કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા
Vadodara Visa Fraud : કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને દંપતી પાસેથી સાડા ચાર લાખ પડાવી લેનાર અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તરસાલી રોડ પરના ગીતાંજલિ ડૂપ્લેક્સમાં રહેતા સુરજસિંગ લાભસિંગ મહેતા દવાનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પુત્ર તથા પુત્રવધૂને કેનેડા મુકામે પી.આર. તરીકે જવું હોય સોશિયલ મીડિયા પર સર્ચ કરતા હતા.
તે દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, વિક્ટરી ઈમિગ્રેશન એન્ડ એજ્યુકેશન કન્સલ્ટન્ટના નામથી સંગ્રામસિંહ હરીવિલાસસિંહ કુશવાહ (રહે.પ્રેરણા બંગલોઝ, શિવાજી ચોક પાસે, નવા નરોડા, અમદાવાદ) વિઝાનું કામ કરે છે. જેથી, અમે વર્ષ 2020માં તેમનો સંપર્ક કર્યો હતો. કેનેડાના પી.આર. કરાવી આપવા માટે 8 લાખ ખર્ચ થશે,તેવું જણાવ્યું હતું. ત્યારબાદ અમે તેના ઘરે મળવા ગયા હતા. અમોએ તેને કુલ 4.50 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ મારા પુત્ર તથા પુત્રવધૂને અમદાવાદની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે પણ બોલાવ્યા હતા. ત્યારબાદ અમને જાણ થઇ હતી કે, મારા પુત્ર અને પુત્રવધૂના પી.આર.ની કોઇ કાર્યવાહી જ થઇ નથી. ત્યારબાદ તેણે મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો.