ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી

- મહાપાલિકામાં 12 પોસ્ટ માટે કર્મચારીઓની ભરતી કરાશે
- ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી પૂર્ણ, આગામી દિવસોમાં ઉમેદવારોની પરીક્ષા લેવાશે
મહાપાલિકામાં ૧ર પોસ્ટની ૧૧પ ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ફાર્માસીસ્ટ, ટેક. આસી. (સીવીલ), જુનીયર કલાર્ક, સેનેટરી ઇન્સ્પેકટર, વહીવટી અધિકારી સહિતની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી અને તાજેતરમાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. આ ખાલી જગ્યા માટે કુલ ૩૯,૧૭૧ ઉમેદવારે ફોર્મ ભર્યા છે.
મહાપાલિકાની ખાલી જગ્યા માટે આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે પરંતુ હજુ પરીક્ષાની સત્તાવાર તારીખ નક્કી કરવામાં આવી નથી. ભરતી માટેનો અભ્યાસક્રમ ઓજસ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
બેરોજગારી વધી, 1 ખાલી જગ્યા માટે સરેરાશ 340 અરજી
ભાવનગર મહાપાલિકાએ ભરતી બહાર પાડી છે, જેમાં ૧ ખાલી જગ્યા માટે સરેરાશ ૩૪૦ ઉમેદવારે અરજી કરી છે તેથી નોકરી મેળવવા માટે ઉમેદવારોએ મહેનત વધુ કરવી પડશે તેમ જણાય રહ્યુ છે. ખાલી જગ્યાઓ સામે બહોળી સંખ્યામાં ફોર્મ આવતા હોય છે, જેના પરથી બેરોજગારી વધી રહી હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

