Gujarat

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન

By GS TEAM
28 Mar 20261 min read
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન

વાડી વિસ્તારમાં આવેલ શ્રી મહારુદ્ર હનુમાન મંદિર ખાતે અખંડ ભારત સમર્થ ભારત તથા વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન કરાયું છે.

દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાશે. વિશ્વમાં હાલ વ્યાપી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આ મહાનુષ્ઠાનને સમુદ્ર મંથન સમાન ગણાવી માનવતા અને શાંતિ માટે કલ્યાણકારી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

તા. ૨૯ માર્ચ રવિવારે વાઘોડિયા રોડ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું છે. ત્યારબાદ તા. ૩૦ માર્ચથી પ્રથમ સોપાનના શુભારંભ સાથે વિધિવત મહાનુષ્ઠાન શરૂ થશે.

આ મહાનુષ્ઠાન ચાર ચરણોમાં યોજાશે. પ્રથમ ત્રણ ચરણોમાં વેદની ૧૦ શાખાઓના ૧૫-૧૫ વિદ્વાનો દ્વારા સંહિતા પારાયણ, સ્વાહાકાર, શાખા પારાયણ તથા ઘનપાઠ પારાયણ કરવામાં આવશે. ચોથા ચરણમાં ૫૦ વિદ્વાનો દ્વારા સતત ૧૧ દિવસ સુધી મહારુદ્ર અભિષેકનું આયોજન કરાયું છે.

આ પ્રકલ્પ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈદિક સંશોધન માટે પણ મહત્વપૂર્ણ બનશે. દેશભરની આઠ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વેદવિદ્યા પર સંશોધન કરશે. સાથે સાથે શાસ્ત્ર ચર્ચા સત્રો યોજાશે, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. વિદ્યાર્થીઓ માટે વેદ પ્રશ્નોત્તરી, વકૃત્વ સ્પર્ધા અને વેદ પ્રદર્શનનું આયોજન કરાયું છે.