Get The App

ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં 1 - image

- 3 આરોપી ફરાર : પોલીસે ઝડપી પાડવા કવાયત હાથ ધરી

- દુર્લભ પ્રજાતિના પક્ષીઓની પાંખો નિર્દયતાથી બાંધેલી હાલતમાં હતી : 11 પક્ષીના મોત, 27 સારવાર હેઠળ

બગોદરા : વન વિભાગ અને નળ સરોવર પોલીસની સંયુક્ત કાર્યવાહી હાથ ધરી બાવળાના ધરજી ગામમાંથી ૩૮ વિદેશી પક્ષીઓ કબજે કર્યા છે. દુર્લભ પ્રજાતિના પક્ષીઓની પાંખો નિર્દયતાથી બાંધેલી હાલતમાં હતી. જેમાંથી ૧૧ પક્ષીના મોત ૨૭ સારવાર હેઠળ છે. કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપી ફરાર હોવાથી પોલીસે ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અમદાવાદ નજીક આવેલા નળસરોવર અભયારણ્ય વિસ્તારમાં પક્ષી શિકારની પ્રવૃત્તિ અટકાવવા વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે તા.૨૨/૦૧/૨૬ના રોજ બાવળા તાલુકાના ધરજી ગામના મેણીવાળા ફળિયામાં વન વિભાગ અને નળ સરોવર પોલીસના સંયુક્ત કાફલાએ દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ ઘરોમાંથી કુલ ૩૮ વિદેશી પક્ષીઓ મળી આવ્યા હતા, જેમની પાંખો નિર્દયતાથી બાંધેલી હાલતમાં હતી.

દરોડા દરમિયાન શિકાર માટે વપરાતી પાંખડ, ચાઇનીઝ દોરીની ફિરકી તેમજ પતંગો પણ જપ્ત કરાયા હતા. જપ્ત પક્ષીઓમાંથી એક પક્ષી સ્થળ પર જ મૃત મળ્યું હતું. બાકીના પક્ષીઓને તાત્કાલિક અમદાવાદના બોડકદેવ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય ૧૦ પક્ષીઓના મોત થયા છે, જ્યારે હાલ ૨૭ પક્ષીઓ સારવાર હેઠળ છે.

જપ્ત પક્ષીઓમાં ગ્રેલેગ ગુઝ (૧૩), નોર્થર્ન પિન્ટેલ (૦૮), ગ્રેનવિકડ ટેલ (૦૬), નોર્થર્ન શોવલર (૦૪) તેમજ ગડવાલ, વેજિયન અને યુરેશિયન કૂટ જેવા દુર્લભ પક્ષીઓનો સમાવેશ થાય છે. વન વિભાગે ગામના સરપંચની હાજરીમાં ત્રણેય ઘરો સીલ કર્યા છે. હાલ આરોપીઓ ફરાર હોવાથી તેમની ધરપકડ માટે પોલીસ અને વન વિભાગે શોધખોળ તેજ કરી છે.