તલગાજરડા કોઝવે પાસે મોડેલ સ્કૂલના 36 છાત્ર ફસાયા : 4 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ

- ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના
- વિદ્યાર્થીઓને જ્યાં રખાયા તે મકાન ફરતે પણ પાણી ફરી વળતા પરિસ્થિતિ વણસી, તમામને કન્યા શાળામાં ખસેડાયા
રવિવારથી ચોમાસાની સિઝનનો પ્રારંભ થયા બાદ આજે સવારથી પ્રથમ ઇનિંગમાં મેહુલીયો મન મુકીને વરસ્યો હતો. મહુવા તાલુકામાં સવારથી બપોરે ૩ કલાકના સમયમાં જ ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે, માત્ર ૧૦ થી ૧૨માં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ વરસાદના પગલે તલગાજરડા ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની ૧૦.૩૦ થી ૪.૩૦ની સ્કૂલમાં ૧૧ વાગે પરિસ્થિતિનો તાગ મેળવી રજા આપી દેવાઇ હતી જેથી ધો.૬ થી ૧૨ના ૩૬ જેટલા રાતોલ ગામના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોટેશનની બસમાં ડ્રાઇવર-કંડક્ટર સાથે રવાના થયા હતાં. પરંતુ ગૌશળા નજીક આવેલ કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા બસ ચાલી શકે તેવી સ્થિતિ ન જણાતા ડ્રાઇવર દ્વારા નજીકનું એક મકાન સુરક્ષિત જણાતા તમામ વિદ્યાર્થીઓને ત્યાં ખસેડયા હતા પરંતુ વરસાદ સતત શરૂ રહેતા અને પાણીનો પ્રવાહ વધતા આ મકાન ફરતે પણ પાણી ફરી વળ્યા હતા અને બાળકોના કેડ સમા પાણી ભરાઇ ગયું હતું. જે ઘટનાની ગંભીરતા સમજી તુર્ત જ પ્રશાસનને જાણ કરાતા શાળા સ્ટાફ તેમજ ડીઝાસ્ટર મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, ડે.કલેક્ટર, ફાયર ટીમ, તરવૈયાની ટીમ સહિતનો કાફલો બચાવ કામગીરીમાં જોતરાયો હતો. એક સમયે હેલીકોપ્ટરથી માંડી એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટ ગાર્ડની સેવા લેવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે આ વિદ્યાર્થીઓને બચાવવા કલેક્ટરે સંકલન કરી બોટનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો હતો. જે બોટ પહોંચ્યા બાદ પાણીના સામા પ્રવાહને કારણે પાછી આવવી શક્ય નહીં બનતા અંતે દોરડાના તાણીયા મારી આ તમામ બાળકોને સતત ચાર કલાકની જહેમત બાદ મહુવા વહિવટી તંત્ર અને ગામલોકો દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. જો કે, એક સમયે બોટ પરત નહીં ફરતા તમામના જીવ પડીકે બંધાયા હતાં. દરમિયાન વરસાદ ઘટતા અને પાણીનું જોર પણ ઘટયું હતું અને તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી તલગાજરડાની કન્યા શાળામાં સુરક્ષિત લવાયા હતાં. આમ આફત સામે વહિવટી તંત્ર અને લોકોની સતર્કતાથી દુર્ઘટના ટાળી શકાઇ હતી.








