ગુજરાતમાં ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’નો અમલ, 36.95 લોકોએ 18 હેરિટેજ સાઇટની લીધી મુલાકાત
World Heritage Day 2025 : ગુજરાતની હેરિટેજ સાઇટની વિશેષ સાર સંભાળની સાથે પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે ગત વર્ષ 2024માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ આ ચાર સાઇટની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ 7.15 લાખથી વધુએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે 3.64 લાખથી વધુ પ્રવાસીઓએ રાણીકીવાવ-પાટણ ઉપરાંત 1.60 લાખથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા તેમજ 47 હજારથી વધુ પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત કરી હતી.
આમ ગુજરાતમાં આવેલા ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ 18 હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી ગુજરાતમાં સ્થાનિક રોજગારીની સાથે સમગ્ર અર્થવ્યવસ્થાને ખૂબ મોટું બળ મળ્યું છે.
વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન- યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઇતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઇટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ચાંપાનેર-પાવાગઢ: વર્ષ 2004
ચાંપાનેર-પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક-ઐતિહાસિક શહેર છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં ગુજરાતના સૌ પ્રથમ ‘વિશ્વ વિરાસત સ્થળ’નો દરજ્જો એનાયત થયો છે. ગુજરાતમાં આવેલાં શક્તિપીઠો પૈકી અહી આવેલું કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે. તેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપાનેર નામ તેના સેનાપતિ ચાંપરાજ ઉપરથી આવ્યું છે.
પાવાગઢની ટેકરીઓ ઉપર અને નીચે વસેલા ચાંપાનેર શહેરમાં સુલતાનયુગ સુધીના સ્થાપત્યો આર્કિયોજિકલ પાર્કની જેમ જોવા મળે છે. પાવાગઢની ટેકરી ઉપર આઠ દરવાજા જોવા મળે છે. પતાઈ રાજાનો મહેલ, કિલ્લાઓની દીવાલો, પાણીનો ટાંકો, કોઠાર, કમાનો વગેરે ખંડેર હાલતમાં અવશેષો રૂપે જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માટે ચાંપાનેર - પાવાગઢની મુલાકાત આનંદમય બની રહે છે.
રાણકીવાવ-પાટણ : વર્ષ 2014
રાણકીવાવ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. આ ઐતિહાસિક વાવનું નિર્માણ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી અને જૂનાગઢના રાજા રા'ખેંગારની પુત્રી ઉદયમતીએ 11મી સદીના અંતભાગમાં કર્યું હતું. યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકીવાવને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે. આ વાવ જોવા દેશ-વિદેશથી હજારો પર્યટકો આવે છે. તેમાં સાત માળનું બાંધકામ જયા પ્રકારની વાવવાળું છે. વાવમાં અનેક દેવી-દેવતાઓની સાથે આકર્ષક અપ્સરાઓ અને નાગ-કન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. વળી વાવમાં એક નાનો ભેદી દરવાજો પણ જોવા મળે છે. ભારતીય રિઝર્વ બૅંકે વર્ષ 2018માં બહાર પાડેલી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટ ઉપર રાણકીવાવની તસ્વીર જોવા મળે છે.
'અમદાવાદ' ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી : વર્ષ 2017
યુનેસ્કોએ વર્ષ 2017માં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો. ગૂર્જરધરા ઉપર સાબરમતી નદીકિનારે વસેલું અમદાવાદ મૂળભૂત પ્રાચીન આશાવલ (આશાપલ્લી) હતું. 11મી સદીમાં રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નામ આપીને લશ્કરી થાણું સ્થાપ્યું હતું. સુલતાન અહમદશાહે વર્ષ 1411માં પોતાનું પાટનગર વસાવવા માટે માણેક બુરજથી બાંધકામ શરુ કરી, કિલ્લો બંધાવ્યો. આપણે તેને ‘ભદ્રનો કિલ્લો' એ રીતે ઓળખીએ છીએ. તેના વંશજ સુલતાન મહમૂદ બેગડાએ શહેર સુરક્ષિત રાખવા કોટ અને દરવાજા બંધાવ્યા હતા.
મુઘલોના શાસન દરમિયાન ફતેહબાગ પેલેસ, આઝમખાન પેલેસ, ચાંદા-સૂરજ મહેલ અને શાહીબાગ પેલેસ નિર્માણ પામ્યા હતા. આ કાળમાં શાંતિદાસ ઝવેરી શહેરના પ્રથમ નગરશેઠ થયા અને એમણે મહાજન પરંપરાની શરુઆત કરી હતી. મરાઠાયુગમાં ગાયકવાડની હવેલી બંધાઈ હતી. અમદાવાદ શહેરનો ઇતિહાસ રોમાંચક છે. અમદાવાદમાં છેલ્લાં 600થી વધુ વર્ષોનાં ઘણાં ઐતિહાસિક સ્થાપત્યો કોટ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. વળી તેની સાથે શહેરમાં હિંદુ, જૈન, મુસ્લિમ અને અન્ય ધર્મોનાં સ્થાનકોનો વૈભવભર્યો વારસો પણ છે.
અમદાવાદનું હવેલી સ્થાપત્ય માણવા કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હવેલી, સારાભાઈ પરિવારની હવેલી, હરકુંવર શેઠાણીની હવેલી, શેઠ હઠીસિંહની હવેલી, દીવેટિયાની હવેલી, દોશીવાડાની પોળની વિશાળ લાંબી હવેલી, મંગળદાસ શેઠની હવેલી અને વૈષ્ણવ સંપ્રદાયના હવેલી મંદિરો વગેરે જોવા મળી રહ્યા છે. ગાંધીજીનો આશ્રમ જોવા દેશપરદેશથી ઘણા લોકો અમદાવાદ આવે છે. આજે ગાંધીઆશ્રમ ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે.
ધોળાવીરા-કચ્છ : વર્ષ 2021
ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિર બેટમાં આવેલું ગામ છે. સ્થાનિક લોકો તેને 'કોટડો' કે 'કોટડા ટીંબો' કહે છે. આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે .1967-68ના સમયમાં ભારતીય પુરાતત્વવિદ્ જગતપતિ જોષી દ્વારા આપણને આ વિરાસતની માહિતી મળી હતી. યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ નગરની બાંધણી, મુખ્યત્વે ચોરસ અને લંબચોરસ પથ્થરોથી થયેલી જોવા મળે છે. આ લુપ્તનગર 5,000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિવાળું હશે એમ માનવામાં આવે છે. આ નગર 50 હજારની વસ્તીવાળું હોવાનું અનુમાન કરી શકાય છે.
સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી : 2020-25
દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે “હેરિટેજ ટુરિઝમ પોલિસી-2020-25” જાહેર કરી હતી. આ પોલીસી હેઠળ ગુજરાતના નાના ગામ-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરુખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજ ડે-2025 નિમિતે આ વર્ષે International Council on Monuments and Sites- ICOMOS દ્વારા "આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જોખમ: તૈયારીઓ અને ICOMOSની 60 વર્ષોની કામગીરીમાંથી મળતી શીખ"ની થીમ જાહેર કરવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ્ય કુદરતી આફતો અને સંઘર્ષોના કારણે હેરિટેજ સાઇટ્સ પર વધતા જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.