જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંહ સભામાં આજે રવિવારે ગુરુ ગોવિંદસિંહજીની 359મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને શોભાયાત્રા, સેહજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ સવારે 7:45 વાગ્યે ગુરુદ્વાર થી શોભાયાત્રા નીકળી હતી,જેમાં બહોળી સંખ્યામાં શીખ સંપ્રદાયના ભાઈઓ-બહેનો જોડાયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફુલહાર કરાયા હતા.
જ્યાં જી.જી. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, મેડિસન વિભાગના વડા ડો.અજય તન્ના, આર.એમ.ઓ. પ્રમોદ સકસેના, જી.જી. હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત્ત આર્મીમેન તેમજ ગુરુદ્વારા ની સંગત ની હાજરીમાં જી.જી. હોસ્પિટલમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ જી.જી. હોસ્પિટલના દર્દીઓ જલ્દી સાજા થાય તે માટેની પણ પ્રાર્થના કરાઈ હતી. ત્યાર બાદ ગુરુદ્વારામાં સેહજપાઠની સમાપ્તિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગંગાનગર ના ભાઈસાહેબ ગગનદીપ સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા શબ્દ કીર્તન 11:50થી 1:30 વાગે સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં ઉપસ્થિત રહી માથું ટેકવી ને શબ્દ કીર્તનો લાભ લીધો હતો, ત્યારબાદ બપોરે 1:00 વાગે ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પ્રસાદ લીધો હતો.


