Get The App

જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત 1 - image


- ખનીજ ચોરીને ડામવા ક્ષેત્રિય તપાસ ટીમના સમયાંતરે દરોડા

- નાણાંકીય વર્ષ 2024-25 માં લક્ષ્યાંક કરતા 125 ટકા વધુ મહેસૂલી આવક, પાછલા 3 માસમાં 624.91 લાખની આવક

ભાવનગર : ભાવનગર ખાણ ખણીજ વિભાગ દ્વારા છેલ્લા સવા વર્ષમાં ખનીજ ચોરીના ૩૫૮ કેસ પકડી ૫૪૦ લાખની વસૂલાત કરવામાં આવી છે. જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સમયાંતરે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખોદકામ, વહન અને સંગ્રહની થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમ દ્વારા ૨૬૩ કેસ કરી રૂા.૪૦૭.૮૫ લાખની તેમજ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પાછલા ત્રણ માસ (જૂન-૨૦૨૫) સુધીમાં ૯૫ કેસો જપ્ત કરી રૂા.૧૩૨.૫૧ લાખની વસૂલાત કરવામાં આવી છે.

ખનીજથી સરકારી તિજોરીમાં થતી આવક ઉપર નજર કરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભાવનગર જિલ્લામાં ૬૫૨૩.૫૧ લાખની આવક થઈ હતી. જે સરકારે આપેલા લક્ષ્યાંક કરતા ૧૨૫ ટકા વધુ હતી. તેમજ ચાલુ નાણાંકીય વર્ષના જૂન-૨૫ અંતિત કુલ ૬૨૪.૯૧ લાખની મહેસૂલી આવક થયાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

11 માઈનિંગ અને 172 ગૌણ ખનીજ લીઝ

ખનીજના ભંડારની દ્રષ્ટીએ સમૃધ્ધ ભાવનગર જિલ્લામાં લિગ્નાઈટ, લાઈમસ્ટોન ખનીજ માટેના ૧૧ માઈનિંગ લીઝો ઉપરાંત રેતી, બ્લેકટ્રેપ અને બેન્ટોનાઈટ માટે ૧૭૨ ગૌણ ખનીજ લીઝો કાર્યરત છે. માઈનિંગ અને ગૌણ ખનીજ લીઝો હોવા છતાં જિલ્લામાં ખનન માફિયાઓ દ્વારા ખનીજ રોયલ્ટી ભર્યા વિના ખોદકામ અને વહન-સંગ્રહની પ્રવૃત્તિ બેફામ કરવામાં આવી રહી છે. જેને ડામવી જરૂરી બની ગઈ છે.

પાવર પ્લાન્ટ, સિમેન્ટ, ઉદ્યોગ, રોડ અને બાંધકામમાં થતો ખનીજનો ઉપયોગ

જિલ્લામાં લિગ્નાઈટ, બેન્ટોનાઈટ લાઈમસ્ટોન ખનીજ મળી આવે છે. જે પાવન પ્લાન્ટ, સિમેન્ટ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. બ્લેકટ્રેપ રેતી અને મેન્યુફક્ચરિંગ સેન્ડ જેવા ખનીજોનો ઉપયોગ રોડ અને બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તેવી મદદનીશ ભુસ્તરશાસ્ત્રીએ માહિતી આપી હતી.

Tags :