- પરીએજ અને કનેવાલ તળાવ પણ પાણી ભરાશે
- પાણી છોડતા જિલ્લાના ખેડૂતોને રાહત : માર્ચથી જૂન સુધી કેનાલના સમારકામ માટે સિંચાઇનું પાણી બંધ રહેશે
નડિયાદ : ખેડા જિલ્લામાં રવી સિઝનમાં પાણીની જરૂરિયાતને લઇ વણાકબોરી ડેમમાંથી ૩૫૦૦ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે પરીએજ અને કનેવાલ તળાવ ભરવામાં આવશે. ખેડા અને આણંદ સહિત ત્રણ જિલ્લાના ખેડૂતોને રવી સિઝનમાં રાહત થશે.
રવી સિઝનમાં પાણી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા નડિયાદ, ખેડા, આણંદ અને શેઢી સિંચાઇ વિભાગ દ્વાર સંકલન સાંધીને કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોને સિંચાઇ પાણી આપવામાં આવી રહ્યું છે. રવી સિઝનમાં ચણા, ઘઉં, મગફળી, તમાકુની ખેતી કરતા ખેડૂતોને રાહત થશે. જેને લઇ માર્ચ મહિના સુધી પાણી ચાલુ રાખવાને આયોજન કરાયું છે. જયારે માર્ચથી જૂન સુધી કેનાલમાં સિંચાઇ માટે પાણી બંધ રાખવામાં આવશે.
બે વર્ષથી પરીએજ અને કનેવાલ તળાવ ભરવાના કારણે કેનાલના સમારકામ અને મરામતની કામગીરી થઇ ન હતી. માર્ચ બાદ કેનાલ અને આસપાસના બ્રિજોના રિપેરિંગના કામ શરૂ કરાશે. જોકે, આ મરામત દરમિયાન નાગરિકોને પીવાના પણીની તકલીફ ન પાડે માટે ૧૫ દિવસ સુધી પાણી આપાવની જોગવાઇ છે. મરામત બાદ કેનાલની ક્ષમતામાં વધારો કરાશે.


