Get The App

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન 1 - image

JCC હોસ્પિટલ બાદ હવે ત્રીજો 'ખ્યાતિકાંડ'  પીએમજેએવાય યોજનામાંથી કાર્ડિયોલોજી વિભાગ સસ્પેન્ડ : આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 1.26 કરોડનો દંડ : તબીબ સસ્પેન્ડ

જામનગર, : જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઓશવાળ હોસ્પિટલમાં ૩૫ જેટલા દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 1 કરોડ 26 લાખનો દંડ ફટકારાયો છે, જ્યારે આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે. હોસ્પિટલના એક તબીબને પણ સસ્પેન્ડ કરી દેવાતાં ચકચાર વ્યાપી છે. 

જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાડયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ટ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે. 

આ મામલે જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયો છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગરની આયુષ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ઈ-મેલ મારફતે આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે અને તેની આજથી જ અમલવારી કરી દેવામાં આવી છે, જેને લઈને ભારે ચકચાર જાગી છે. જામનગરની જેસીસી હોસ્પિટલનું કૌભાંડ કે જે હજુ તપાસ હેઠળ છે ત્યાં જ શહેરની બીજી હોસ્પિટલનું આ ભોપાળુ છતું થતાં સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.