Get The App

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા 1 - image


- પાલિકાએ કોન્ટ્રાક્ટરને રૂા. 7.48 કરોડ ચૂકવી પણ દીધા

- 33 લાખ લાભાર્થી ફાળો પણ પાલિકામાં જમા : ગ્રાન્ટ ફંડ ન હોવાથી કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યાનો પાલિકાનો દાવો : કોન્ટ્રાક્ટર, અધિકારીઓની મિલીભગતથી કૌભાંડની આશંકા

આણંદ : આંકલાવના જાંબુડી અને ઇન્દિરા નગર વિસ્તારમાં આઈએચએસડીપી યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા ૩૩૬ જેટલા આવાસો પૈકી મોટાભાગના આવાસોની લાભાર્થીઓને ૧૦ વર્ષથી ફાળવણી નહીં કરતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ સાથે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી. 

આંકલાવ નગરપાલિકામાં આઈએચએસડીપી હેઠળ કુલ ૪૧૬ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. ટેન્ડરિંગ બાદ નગરપાલિકા દ્વારા જેતપુરની શ્રી ગુરુકૃપા ચેરીટેબલ ટ્રસ્ટને તા. ૪-૫-૨૦૧૩થી વર્ક ઓર્ડર અપાતા એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. બાદમાં સરકાર દ્વારા અલગ અલગ હુકમોથી કુલ રૂ. ૭.૪૮ કરોડ સુધી પ્રોજેક્ટ પેટે મૂકવામાં આવ્યા હતા. આંકલાવ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને અલગ અલગ બીલો મળી કુલ રૂ. ૭.૪૮ કરોડ ચુકવણું કરવામાં આવ્યું હતું.  આંકલાવ નગરપાલિકા દ્વારા પ્રાદેશિક કમિશનર વડોદરાને તા. ૧૮.૬.૨૦૨૫ ના રોજ અપાયેલા જવાબમાં જણાવ્યું હતું કે, હાલ નગરપાલિકા પાસે ગ્રાન્ટ ફંડ ઉપલબ્ધ ન હોવાથી કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું છે સાથે સાથે લાભાર્થીઓ પાસેથી કુલ્લે રૂપિયા ૩૩ લાખ લાભાર્થી ફાળો નગરપાલિકામાં જમા થયેલો છે. જાંબુડી વિસ્તારમાં ૧૬૮ આવાસો પૈકી ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને ઇન્દિરા નગર વિસ્તારના ૧૬૮ પૈકી ૫૦ ટકા આવાસોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ ૩૩૬ આવાસમાંથી ૧૬૮ આવાસો પૂર્ણ ફિનિશિંગ લેવલ ઉપર છે. લાભાર્થીઓએ તેમનો ફાળો ચૂકવી આપ્યો હોવા છતાં હજી સુધી ડ્રો કરવાનો બાકી હોવાનું જવાબમાં જણાવ્યું છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી આ પ્રોજેક્ટ પૂર્ણ ન થતા સરકારી નાણાનો વ્યય થયો હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે. 

નગરપાલિકા દ્વારા અત્યાર સુધી એજન્સીને કુલ ૭૪૮ લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું અરજદારે જણાવ્યું છે. ત્યારે આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ લાભાર્થીઓ આવાસોથી વંચિત રહેવા પામ્યા છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા અરજદારે એજન્સીના કોન્ટ્રાક્ટર, પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભાગ બટાઈના ખેલ કરી સરકારી ગ્રાન્ટનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આવાસોની કામગીરી આજ દિન સુધી પૂર્ણ ન કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સાથે ઉચ્ચકક્ષાએ તપાસ કરી તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. 

જર્જરિત આવાસો રાતે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા

દસ વર્ષ ઉપરાંતથી સરકારી યોજના હેઠળ પૂર્ણતાના આરે આવીને ઊભેલા ૧૬૮ જેટલા આવાસો હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. રાત્રિના સુમારે જર્જરિત આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા સાથે અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ આવાસોની આડમાં થતી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.

Tags :