જામનગરના સિંગચ ગામનાં 33 ઊંટોનું દરિયામાં રેસ્ક્યૂ કરાયું

ખારાઇ પ્રજાતિનાં ઊંટો તરવાની આવડત ધરાવે છે
દરિયામાં તરતા- તરતાં વાડીનાર પોર્ટની જેટી નજીક પહોંચી ગયાં, તમામને સમુદ્ર બહાર કાઢી લેવાયાં
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા વાડીનાર બંદર વિસ્તારમાં આવેલી દિન દયાળ પોર્ટની જેટી ઉપર સોમવારે સવારના સમયે કેટલાક ઊંટ દરિયાના પાણીમાં તણાઈ આવ્યા હોવાનું સ્થાનિકોને ધ્યાને આવ્યું હતું. જામનગર જિલ્લાના સીંગચ ગામના કોઈ માલધારીના ઊંટ કોઈ કારણોસર તણાઈને વાડીનાર નજીક પહોંચી આવ્યા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે દરિયાઈ માર્ગે વાડીનારથી જામનગર જિલ્લાના સિંગચ ગામ માત્ર ત્રણ નોટીકલ માઈલ જ થાય છે અને ઉંટો ચેરિયા ખાવા માટે આટલુ તરતા જ હોય છે, પણ આજે દરિયામાં કરંટ હોવાથી ઓછા કરંટવાળા વિસ્તાર તરફ જવાની શોધમાં ઉંટનો સમૂહ દિશાવિહિન બની ગયો હતો.
ઉપરોક્ત બનાવની જાણ થતાં વાડીનાર મરીન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સાત વનકર્મીઓ અને ૧૦ જેટલા માલધારીઓ જેટી પાસે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ૩૩ ઊંટોને દરિયામાંથી બહાર કાઢવાની રેસ્ક્યૂ કામગીરી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વાડીનારના ઇન્ચાર્જ પી.આઈ. વી આર. શુક્લા સાથે તેમને ટીમે નોંધપાત્ર કામગીરી કરી અને ઉપરોક્ત ૩૩ ઊંટને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ ઊંટ પોતે જ રેસ્ક્યુ વર્કર જેવા પણ હોય છે
જયારે ઉંટ ચેરિયા ખાવા જાય છે ત્યારે એમની સાથે માલધારીઓ મોટા ભાગે હોતા નથી. આ ઊંટો આપમેળે દરિયો તરીને ચેરિયાના જંગલમાં પહોંચી ભોજન પ્રબંધ કરી લે છે અને એ પછી સ્વયં સૂઝથી ઘરે પરત પહોંચી જતા હોય છે. એમને રોજિંદા જીવનમાં મેનેજ કરવા માલધારીઓ જુદા જુદા અવાજો કરીને કન્ટ્રોલ કરતા હોય છે. જયારે દરિયામાં કોઈ પડી જાય છે ત્યારે પણ આ ખારાઈ ઊંટની મદદ લેવામાં આવે છે. ગત તા.૫મી જુનના રોજ દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના ચાર યુવાનો અને ત્રણ મહિલાઓ ડૂબવા લાગી હતી એને બચાવવા માટે તરવૈયાઓ અને એક ઊંટ ચાલક ઊંટ સાથે રેસ્ક્યૂમાં જોડાયો હતો. જેમાં સાતેયને બહાર કાઢી હોસ્પિટલે લઈ જવાયા હતા. જો કે એક મહિલાનું સારવારમાં મૃત્યુ થયું હતું









