અમદાવાદમાં 3.38 લાખની કિંમતનું 33.870 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું, પોલીસે પેડલરની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાંચે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની પુછપરછ પણ શરૂ કરી
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યાં છે. અમદાવાદ સહિતના શહેરોમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરીએક વાર પોલીસે 3.38 લાખની કિંમતનું 33.870 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની પુછપરછ પણ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી. આ બાતમીને આધારે શહેરમાં નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જતાં કાશીરામ ટેક્ષટાઈલ્સની સામેના ભાગે આવેલ તુલસી રેસ્ટોરન્ટની બાજુમાં જાહેર રોડ પરથી ડ્રગ્સ વેચનાર આરોપી ઈલિયાસ શેખ પાસેથી 3.38 લાખની કિંમતનું 33.870 ગ્રામ એમડી ડ્રગ્સ પકડ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ સહિત કુલ 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપી સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં 2010ના વર્ષમાં વિદેશી દારૂનો કેસ નોંધાયો હતો. આ કેસમાં તેને નવસારી જેલ ખાતે પાસા હેઠળ રાખવામાં આવ્યો હતો. તે ઉપરાંત ઈસનપુર અને શાહપુર પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયો હતો.